અસમજંસ: સાચું નામ ક્યું થોર કે થોળ!

જાહેર માર્ગો પર દિશાનિર્દેશ કરતાં બોર્ડમાં ગંભીર ભૂલો હોય તેવું અનેક વાર જોવા મળ્યું છે. જગ્યાના નામનો ઉલ્લેખ ખોટો હોય તો ક્યાંક સ્થળનું અંતર પણ ખોટું દર્શાવાયું હોય તેવું પણ જોવા મળે છે. અમદાવાદની નજીક આવેલા પ્રખ્યાત પક્ષી અભયારણ્ય થોળ અંગે પણ આવું જ એક ભૂલભરેલું બોર્ડ જોવા મળ્યું. જેનાથી થોળના મુલાકાતીઓને લાગી રહ્યું છે કે, થોળ તળાવ ફરતે કાંટાળા થોરનું પ્રમાણ વધુ હોવાથી તેનું નામ બદલ્યું હોઈ શકે.

થોળ એ બર્ડ વોચિંગ સાઈટ્સ છે અને પક્ષીવિદો માટે ફેમસ સ્થળ છે. અહીં શિયાળામાં દેશ-વિદેશનાં યાયાવર પક્ષીઓનો મેળાવડો જામે છે. અમદાવાદ ફરતે આવેલા સરદાર પટેલ રિંગ રોડ પર થલતેજ સર્કલ નજીક સ્થળ દિશાનિર્દેશનું બોર્ડ લગાવાયું છે. જેમાં થોળનું નામ ગુજરાતીમાં ‘થોર’ અને અંગ્રેજીમાં Thor દર્શાવાયું છે, જ્યારે થલતેજ સર્કલથી થોળ તરફ એક કિલોમીટર દૂર જતાં કિલોમીટરની વિગત દર્શાવતું માઈલસ્ટોન છે જેમાં મોટા અક્ષરે ‘થોળ’ દર્શાવવામાં આવ્યું છે.

આવા ભૂલભરેલાં બોર્ડ લગાવાયા બાદ તંત્ર દ્વારા તેના સુધારા માટે કોઈ પગલાં પણ લેવાતાં નથી. થોળમાં પક્ષી નિદર્શન માટે રાજ્યભરમાંથી આવતાં લોકોની ભીડ જામે છે ત્યારે આ બંને બોર્ડથી મુલાકાતીઓમાં પ્રશ્ન અચૂક ઉદ્ભવે છે કે, થોળનું સાચું નામ કયું? ‘થોર’ કે ‘થોળ’!

You might also like