આસામમાં કોની સરકાર રચાશે?

ઉત્તર ભારતનું આસામ એક એવું રાજ્ય છે જે રમણીય પહાડીઓ વચ્ચે પથરાયેલું છે. ભારતની ભૂતાન અને બાંગ્લાદેશ સાથેની સરહદોનો કેટલોક ભાગ આસામ સાથે જોડાયેલો છે. નાનું રાજ્ય હોવા છતાં ભારતનાં બીજા પાંચ રાજ્યો તેને સ્પર્શે છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ તથા મેઘાલય એ રીતે તેનાં પાડોશી રાજ્યો ગણી શકાય.

ઇતિહાસકારો અનુસાર આસામ એ સંસ્કૃત શબ્દાવલિમાંથી આવેલું નામ છે, જેનો અર્થ છે જે સપાટ નથી એવી જમીન. કેટલાક લોકો એવું કહે છે કે સંસ્કૃત શબ્દ ‘અસ્મ’ અથવા ‘અસમા’ છે, તેનો અપભ્રંશ થયેલો આ શબ્દ હવે આસામ તરીકે પ્રચલિત છે. પ્રાચીન સમયમાં આસ્ત્રિક, મંગોલિયન, દ્રવિડ અને આર્યોની વસતી અહીં આવીને વસેલી છે. પ્રાચીન આસામ કામરૂપ તરીકે ઓળખાતું હતું. અહીંયાં મુખ્ય નદી બ્રહ્મપુત્રા છે. અહીંયાં કુદરતી પ્રકોપની સમસ્યા ઘણી મોટી છે. અતિ ભારે વરસાદ અને ભૂકંપ જેવી હોનારતોનો ભોગ આ રાજ્ય ઘણી વાર બને છે. ચા અને શણ તથા શેરડી અહીંયાંના મુખ્ય પાક છે.

અહીંની મૂળ ભાષા આસામી અને બોડો છે. બરાક ખીણપ્રદેશમાં બંગાળી પણ બોલાય છે. વસતીના આંકડા પર જાતિની દ્રષ્ટિએ નજર કરીએ તો ૬૪.૯૦% હિન્દુ ૩૦.૯૦% મુસલમાન, ૩.૭૦% ખ્રિસ્તી અને અન્ય ૦.પ૦% છે. ભારતમાં સૌથી વધારે ખનીજ તેલ જો કોઈ રાજ્યમાં પ્રાપ્ત થતું હોય તો તે આસામ છે. અહીં વસતા લોકોમાં મૂળ આસામીઓ ઉપરાંત બાંગ્લાદેશીઓ, બોડો, નેપાળી અને અન્ય કેટલીક છૂટીછવાઈ જાતિના લોકો સામેલ છે.અહીંયાં હાલ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ત્યારે ત્યાંની રાજકીય પરિસ્થિતિ કેવી છે, તેના પર પણ એક દ્રષ્ટિપાત કરવા જેવો છે.

મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના તરુણ ગોગોઈનું શાસન ટકે છે કે નહીં તે જોવા માટે હવે બહુ લાંબી રાહ જોવી પડે તેમ નથી. ૬૧ બેઠકો ધરાવતી આસામ વિધાનસભાની ચૂંટણીમાં ૮પ% જેવું જબરદસ્ત મતદાન બે તબક્કામાં થઈ ચૂક્યું છે. આ વખતની ચૂંટણીમાં દેખાયેલો માહોલ અને સ્થાનિક સમીકરણો જોતાં ભાજપ અને તેના સાથી પક્ષો તરફ પલ્લું વધારે નમેલું જણાય છે.

વિગતે જોઈએ તો રાજ્યની વસતી ૩ કરોડ ર૦ લાખ જેટલી છે, એમાં એક કરોડ દસ લાખ જેટલા મુસ્લિમો છે. આ મુસ્લિમ વસતીનો ઝોક આ વખતે કોંગ્રેસને બદલે ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ તરફ વધારે છે, જ્યારે અહીંના બંગાળી હિન્દુઓના મત કોંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે વહેંચાઈ રહ્યા છે. જ્યાં સુધી ચાના બગીચાઓમાં કામ કરતા મજૂરોની વાત છે, તે બધા ર૦૧૪ની લોકસભાની ચૂંટણીથી ભાજપ તરફ ઢળેલા છે. આ વર્ગનું પણ ખાસ્સું મહત્ત્વ છે.

આસામની જે મૂળ જનજાતિ અહોમ હજુ કોંગ્રેસને વફાદાર છે એવું માની શકાય તેમ છે, પણ બોડો જનજાતિનો ઝોક ભાજપ તરફ સતત વધતો ગયો છે. સ્થાનિક સ્તરે એટલા માટે જ ભારતીય જનતા પક્ષે બોડો પાર્ટી સાથે ગઠબંધન પણ કરેલું છે. ખ્રિસ્તી સમુદાય ઘણો નાનો છે, પરંતુ તે કોંગ્રેસને વફાદાર દેખાય છે. કોંગ્રેસનો છેક સુધી પ્રયત્ન એવો રહ્યો કે પોતાની મુસ્લિમ વોટબેંક જે એઆઈયુડીએફ(ઓલ ઈન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) તરફ ખસી રહી છે, તેને પોતાની તરફ પાછી વાળવી. આ માટે કોંગ્રેસ મતદાન પૂરું થયું ત્યાં સુધી ભરપૂર પ્રયાસો કર્યા છે. કોંગ્રેસને જો તેના આ પ્રયત્નોમાં સફળતા મળે તો ભાજપ અને કોંગ્રેસ બંને માટે કાંટે કી ટક્કર જેવો ઘાટ સર્જાય. કોંગ્રેસનો પ્રયાસ ચાના બગીચાના શ્રમજીવીઓનાં દિલ જીતવા માટેનો રહ્યો છે, પરંતુ આ શ્રમજીવીઓએ ખૂબ ચતુરાઈપૂર્વક બંને પક્ષોને દ્વિધામાં જ રાખેલા જાણવા મળે છે.

જો ચાના બગીચાના શ્રમજીવીઓ એક થઈ જાય અને ભાજપ અને તેના ગઠબંધનને સમર્થન આપે તો આસામમાં કેસરિયો છવાઈ જાય. આવું જો થાય તો ઉત્તર પૂર્વના રાજ્યમાં ભાજપની મોટી સફળતા ગણાય. હાલ ત્યાંના આદિવાસીઓમાં પણ કોંગ્રેસ સામેનો મોહભંગ જોઈ શકાય છે.આવાં બધાં સમીકરણોને એક સાથે જોઈએ તો કાંટે કી ટક્કરની શક્યતા કરતા ભાજપની જીતની શક્યતા વધુ પ્રબળ બને છે. અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ર૦૧૧ની વિધાનસભાની ચૂંટણી કરતાં રપ% જેટલો માતબર લાભ થયો હતો. અલબત્ત, તે સમયે ‘નરેન્દ્ર મોદી’ લહેર ચાલી રહી હતી. જોકે તાજેતરનાં સર્વેક્ષણોમાં નરેન્દ્ર મોદીની વ્યક્તિગત લોકપ્રિયતા હજુ ટકેલી છે અને ભાજપની રણનીતિ જે આસામમાં જોઈ શકાય છે તે બિહારથી બિલકુલ જુદી જ છે. આમ, આસામમાં મતગણતરી બાદ કમળ મહેકી ઊઠે તો નવાઈ જેવું નહીં હોય.

સુધીર એસ. રાવલ

You might also like