હાફિઝ એવાં કયાં ઇંડાં આપે છે કે તેને પાળીએ છીએ?

ઈસ્લામાબાદ: આતંકીઓને આશરો આપવાના આક્ષેપોને ફગાવનારા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને હવે તેમની પાર્ટીના જ સભ્યોનો વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના એક સાંસદે જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સૈયદ સામે કાર્યવાહી કરવાની માગણી કરતાં જણાવ્યું હતું કે હાફિઝ એ એવાં તો કયાં ઈંડાં આપે છે કે તેને આપણે આ રીતે પાળી રહ્યા છીએ. સાંસદનાં આવાં નિવેદનથી પાક.ના વડા પ્રધાન સામે વધુ એક મુસીબત ઊભી થઈ છે.

વિદેશી બાબતોની નેશનલ એસેમ્બલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પીએમએલ-એનના સાંસદ રાણા મહંમદ અફઝલે પુછ્યુ હતુ કે આપણે હાફિઝ જેવા નોન સ્ટેટ એકટર્સને આગળ વધવાની તક કેમ આપીએ છીએ. આપણે હાફિઝ જેવા લોકો સામે પગલાં કેમ લઈ શકતાં નથી. અફઝલે વધુમાં જણાવ્યું હતું કે ભારતે કાશ્મીર મુદે બેઠક દરમિયાન જમાત-ઉદ-દાવાના વડાને મુદો બનાવી જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ હાફિઝ છે. તેમણે જણાવ્યું હતું કે ફ્રાન્સની યાત્રા દરમિયાન પણ વિદેશી પ્રતિનિધિઓએ હાફિઝનું નામ લીધું હતું. તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે છેલ્લાં 25 વર્ષ દરમિયાન રાજકીય ક્ષેત્રે હાફિઝનું નામ સાંભળવામા આવ્યું નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે એક આતંકવાદી છે.

અફઝલે કાશ્મીર મુદે તેમની સરકારના પગલાંને યોગ્ય ગણાવ્યું હતું પરંતુ સાથોસાથ એમ જણાવ્યું હતું કે આવાં પ્રતિબંધિત સંગઠન આપણા દેશને શરમજનક સ્થિતિમાં મુકાવું પડે તે માટે કારણભૂત ગણી શકાય. દરમિયાન પાકિસ્તાન સંસદના સંયુકત સેશનમાં વિપક્ષના નેતા એતજાજ અહેસાને પણ નોન સ્ટેટ એકટર્સ હાફિઝ સૈયદ અંગે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા. અહેસાને જણાવ્યું હતું કે આપણે વિશ્વમાં એકલા પડી ગયા છીએ. તેનું મુખ્ય કારણ આપણા દેશમાં હાફિઝ જેવા લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે તે છે. તે ઈસ્લામાબાદ અને કરાચીથી ભાષણ આપે છે. તેમણે જણાવ્યું કે હાફિઝને ભારતના મુંબઈ હુમલામાં માસ્ટરમાઈન્ડ ગણવામા આવ્યો છે. અને તેની સામે કોર્ટે વોરંટ પણ કાઢ્યું છે. તેથી આવા લોકો આપણા દેશનું નામ ખરાબ કરી રહ્યા છે.

You might also like