થલતેજના તળાવમાં ગટરનું પાણી ક્યાંથી આવે છે તે હજુ શોધી શકાયું નથી

અમદાવાદ: સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ આવે અને સ્ટોર્મ વોટર પાઈપ લાઈન દ્વારા ઔડા કે મ્યુનિસિપલ ગાર્ડનના રમણીય તળાવ નવાં નીરથી છલકાય, પરંતુ ચમત્કાર કહો કે કમનસીબી થલતેજ મહિલા ગાર્ડનમાં આવેલું રમણીય તળાવ ગટરનાં પાણીથી છલોછલ ભરાઈ જતાં છેલ્લા ૧૨ િદવસથી તંત્ર દિવસ રાત ગટરનું તળાવનું પાણી ઉલેચીને ગટરમાં નાખવા મજબુર બન્યું છે. બાકી હોય તેમ તળાવ બાંધણીની દીવાલ જે તાજેતરમાં જ રિપેર કરાઈ હતી તે અત્યંત નબળી કામગીરીના પ્રતાપે ફરી તૂટી પડી છે.

મહિલા ગાર્ડનમાં વોક કરવા આવતો કે બાળકોને રમવા માટે ગાર્ડનમાં લાવતી મહિલાઓ આ બદબૂ આવતી હોવાની ફરિયાદ કરી રહી છે. ગાર્ડનના તળાવમાં ગટરનાં પાણી હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો કે રોગચાળો થવાની શક્યતાઓ વચ્ચે બાળકો મહિલાઓની સંખ્યા પણ ગાર્ડનમાં હવે ઓછી થવા લાગી છે.

નવા પશ્ચિમ ઝોનના સિટી એન્જિનિયર ઋષિભાઈ પંડ્યાએ ૨૫ જુલાઈના રોજ કહ્યું હતું કે તળાવના ચોખ્ખાં પાણીમાં ગટરનું પાણી મિક્સ થયું હોવાથી ડી વોટરિંગ વાન દ્વારા પાણી ઉલેચવાનું ચાલુ છે. ઝડપથી ગટરનું પાણી ક્યાંથી આવે છે તેની તપાસ કરી લેવામાં આવશે. આ અંગે ઋષિભાઈ પંડ્યાએ આને જણાવ્યું હતું કે ગટરનું પાણી ક્યાંથી આવે છે તે ઝડપભેર શોધી લેવાશે અને જે તે જવાબદાર સામે પગલાં લેવામાં આવશે.

તળાવની નજીક આવેલા બંગલાઓ કોમર્શિયલ બિલ્ડિંગોમાંથી ગટરની લાઈન સ્ટોર્મ વોટર સાથે જોડાયાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્રણ વર્ષ પહેલાં આ તળાવમાં આવી જ સમસ્યા સર્જાઈ હતી. છતાં તંત્ર કેવી રીતે નજીવો દંડ કરીને સંતોષ માની લે છે તે પણ ચર્ચાનો વિષય છે. હાલમાં પ્રજાના પૈસે ૧૨ દિવસથી હેવી ડી વોટરિંગ વાન ગટરનું પાણી તળાવમાંથી ઉલેચી રહી છે.

તેના માટે ૧૦૦૦ લિટર આસપાસ ડીઝલ ૩ શિફ્ટમાં કર્મીઓ વગેરે અનેક ખર્ચ પ્રજાના ટેક્સના પૈસામાંથી થઈ રહ્યો છે. આજે પણ તળાવના મેઈન ઈનલેટમાંથી માઈનોર લીકેજ ચાલુ છે. તળાવ વરસાદી પાણીથી ભરાય તેની લોકો રાહ જોતા હોય છે તેને બદલે માંડ થોડું ભરાયેલું વરસાદી પાણી પણ ગટરમાં વહાવી દેવું પડ્યું.

આ દિવસોમાં જો વરસાદ આવ્યો હોત તો હજુ પણ વધુ પાણી ઉલેચવું પડ્યું હોત અથવા તો વરસાદનું પાણી તળાવમાં લાવી શકાય નહીં, કારણ કે તંત્રએ પાણીના ઈનલેટના દરવાજા હાલમાં બંધ કર્યા છે.

You might also like