પત્ની પિયરથી સાસરીમાં ગઈ ત્યારે પતિ અન્ય મહિલા સાથે રંગરેલિયાં મનાવતો હતો

અમદાવાદ: પતિ સાથે ઝઘડાના પગલે પિયરમાં રહેતી પત્ની પોતાનો સામાન લેવા સાસરીમાં ગઈ ત્યારે પતિને અન્ય મહિલા સાથે કઢંગી હાલતમાં જોતા સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સુનયનાબહેને ૨૦૧૬માં શિવરંજીની ચાર રસ્તા પાસે આવેલા સંગાથ ટાવરમાં રહેતા સંજીવભાઈ સાથે કોર્ટ મેરેજ કર્યાં હતાં. લગ્ન બાદ સંજીવભાઈ અને સુનયનાબહેન વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેથી છેલ્લા ચાર મહિનાથી હોવાથી સુનયનાબહેન પિયરમાં રહેતાં હતાં. સુનયનાબહેન અગાઉ સાડીનો વેપાર કરતાં હતાં. સાડીનો સામાન સંગાથ ટાવરમાં મૂક્યો હતો.

ગત મોડી રાતે ૧૧ વાગ્યે સુનયનાબહેન સંગાથ ટાવરમાં આવેલા મકાનમાં સાડીનો સામાન લેવા માટે ગયાં હતાં. દરવાજો ખખડાવતાં સંજીવભાઈએ દરવાજો ખોલ્યો ન હતો. દરમ્યાનમાં સંજીવભાઈએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતાં સેટેલાઇટ પોલીસ મકાન પર પહોંચી હતી. પોલીસ આવતાં સંજીવભાઈએ દરવાજો ખોલ્યો હતો. મકાનમાં સંજીવભાઈ સાથે એક અજાણી યુવતી કઢંગી હાલતમાં મળી આવી હતી. યુવતીને નામ પૂછતાં સંજીવભાઈએ સુનયનાબહેનને લાફો મારી દીધો હતો. સુનયનાબહેને સંજીવભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(પાત્રોનાં નામ બદલ્યાં છે)

You might also like