જ્યારે વાજપેયીજીએ ટીમને આપી સોનેરી સલાહઃ રમત જ નહીં, દિલ પણ જીતજો…

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગઈ કાલે સાંજે નિધન થયું. એક સારા વક્તા અને કવિ હોવાની સાથે સાથે અટલજી રમત પ્રેમી પણ હતા. વર્ષ ૨૦૦૪માં અટલજીની પહેલ બાદ આતંકના ઓછાયાની વચ્ચે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનના ઐતિહાસિક પ્રવાસે ગઈ હતી.

૨૦૦૪માં પાંચ વન ડે અને ત્રણ ટેસ્ટ મેચની ઐતિહાસિક શ્રેણી રમવા માટે પાકિસ્તાન જઈ રહેલી સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળની ટીમ ઇન્ડિયાને અટલ બિહારી વાજપેયીએ દિલ્હી બોલાવી હતી અને ટીમને એક બેટ ભેટમાં આપ્યું હતું. તે બેટ પર લખેલી એક લાઇનને આજે પણ ક્રિકેટરો જ નહીં, લોકો પણ યાદ કરે છે.

વડા પ્રધાને તેમને જે બેટ હતું આપ્યું અને તેના પર લખ્યું હતું, ‘રમત જ નહીં, દિલ પણ જીતજો…શુભેચ્છાઓ.’ ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા શરૂ કર્યા પછી સંબંધોને સુધારવા માટે અટલજી દ્વારા કરવામાં આવેલી પહેલના કારણે ૧૪ વર્ષ બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયા શ્રેણી રમવા માટે પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી, જ્યાં ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી.

You might also like