મહિલા ધાબેથી નીચે અાવી ત્યારે ચાર તસ્કરો અારામથી ચોરી કરતા હતા

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં પરિવાર અગાસીમાં તેમજ ધાબા પર સુવા માટે ગયા ત્યારે તસ્કરોએ રૂ. ૪.૩૦ લાખની ચોરી કરી હોવાનો બનાવ બન્યો છે. ચોરીની વહેલી સવારે એક મહિલા ઊઠીને નીચે આવતાં તેણે તસ્કરને જોયો હતો અને ભાઇ કોનું કામ છે અને અહીં શું કરો છો તેમ પૂછતાં ચાર તસ્કરો નાસી ગયા હતા.

કૃષ્ણનગર ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનમાં રહેતા અને એસટી વિભાગના નિવૃત કર્મચારી સોમસિંહની પત્નીનું થાપાનું ઓપેશન કરાવ્યું હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે જેના કારણે સોમસિંહની દીકરી અને સાઢુ તેમના ઘરે રોકાવવા માટે આવ્યાં છે.

ગઇ કાલે સોમસિંહ અને તેમના સાઢુ અગાસીમાં સૂઇ ગયા હતા ત્યારે સોમસિંહનો પુત્ર પુષ્પરાજસિંહ અને પુત્રવધૂ મનીષાબા ઘરને લોક મારીને ધાબે સૂવા માટે ગયાં હતાં. વહેલી સવારે પાંચ વાગ્યાની આસાપાસ મનીષાબા ઊઠીને નીચે આવ્યા ત્યારે તેમના ઘરના દરવાજા પાસે એક યુવક ઊભો હતો.

ઘરના દરવાજા પાસે એક અજાણ્યો યુવક ઊભો હતો. જેને જોઇને મનીષાબાએ પૂછ્યું ભાઇ કોનું કામ છે અને અહીં શું કરો છો. મનીષાબાની વાત સાંભળતાં જ યુવક નાસી ગયો હતો અને ઘરમાંથી પણ બીજા ત્રણ યુવકો દોડીને બહાર આવ્યા હતા અને નાસી ગયા હતા. મનીષાબાએ ચોર ચોરની બૂમો પાડતાં લોકો ઊઠી ગયા હતા.

જોકે તે પહેલાં ચોરી કરવા માટે આવેલા યુવકો કાર લઇને પલાયન થઇ ગયા હતા. ઘરમાં જઇને તપાસ કરતા ચાર તસ્કરોએ ૧૩ તોલા સોનું અને ૪૦ હજાર રૂપિયા રોક્ડ મળીને કુલ ૪.૩૦ લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

તસ્કરો બે દરવાજાના નકૂચા તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા ત્યારબાદ અગાસીમાં સુઇ ગયેલા બે લોકો અંદર આવે નહીં તે માટે બે દરવાજા અંદરથી બંધ કરી દીધા હતા અને પછી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ છે.

You might also like