ટ્રમ્પ-ક્લિન્ટન ફેમિલી વચ્ચે અગાઉ મિત્રતા હતી

અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી ૮ નવેમ્બરે યોજાઇ જશે. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. બંને ઉમેદવારોએ એકબીજા પર કાદવ ઉછાળવામાં કંઇ બાકી નથી રાખ્યું. રાજકીય વિશ્લેષકો પછી તે યુએસના હોય કે અમેરિકાના, તેઓએ લખ્યું કે આ વખતે પ્રચારની કક્ષા જેટલી નીચી ગઇ તેટલી નીચી યુએસના ઇતિહાસમાં કયારેય ગઇ ન હતી. ટ્રમ્પની મહિલાઓ માટે બીભત્સ વાતો કરતી ટેપ બહાર આવી તો હિલેરી પર પ્રાઇવેટ સર્વરનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો.

બંને પર આર્થિક ગોબાચારીના આરોપો પણ લાગ્યા. ટ્રમ્પને હિલેરીએ લુચ્ચા કહ્યા તો ટ્રમ્પે તેમને જેલમાં મોકલવાની વાત કહી. મુસલમાનો માટે ટ્રમ્પે બેફામ નિવેદનો કર્યાં તો હિલેરી પર પણ મુસ્લિમ દેશો પાસેથી ફંડ લઇને આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો. આ બધું ચૂંટણી માટે હતું, પરંતુ એક હકીકત એ પણ છે કે આ બંને પરિવારો વચ્ચે એક સમયે સારી એવી મિત્રતા હતી. વર્ષ ૧૯૯૯થી તેમની વચ્ચે સારી મિત્રતા હોવાના પુરાવા યુએસ મીડિયા રજૂ કરી રહ્યું હતું.

મોનિકા લેવેન્સ્કી સ્કેન્ડલ વખતે ટ્રમ્પે ક્લિન્ટનનો બચાવ કર્યો હતો. તો તેમના ફાઉન્ડેશન માટે ફંડ પણ આપ્યું હતું. બંને પરિવારો ન્યૂયોર્કના પાવરફુલ ફેમિલી ગણાતા હતા. બિલ ક્લિન્ટન ડોનાલ્ડ ટ્રમ્પની ક્લબમાં ગોલ્ફ રમવા માટે જતા હતા. જોકે, રાજકારણ ને સત્તાનો નશો એવી વસ્તુ છે જે બધા જ સંબંધોનો અંત લાવે છે તે ચૂંટણીમાં જોવા મળ્યું હતું.

You might also like