જ્યારે ગણેશજીએ કુબેરનું અભિમાન તોડ્યું….

રિદ્ધિ અને સિદ્ધિના દાતા ભગવાન ગણેશ એટલા દયાળુ છે કે, તેઓ તેમના ભક્તોનાં દરેક દુઃખ પળમાં દૂર કરી દે છે, પણ ગણેશજીને એક બાબત બિલકુલ પસંદ નથી. દેવોના ખજાનચી કુબેરને પણ આવી જ એક ભૂલ ભારે પડી ગઈ છે.
કુબેરને પોતાની પાસેના ધનનું એટલું અભિમાન આવી ગયું હતું.

તેમને લાગવા લાગ્યું હતું કે તેમનાથી વધુ ધનવાન કોઈ નથી. આ અભિમાનમાં જ તેમણે એક દિવસ ભગવાન શિવને સપરિવાર ભોજન માટે આમંત્રણ આપ્યું. તે ભોજનના બહાને પોતાનો વૈભવ બતાવવા માગતો હતો.

શિવજી તેના મનની વાત જાણી ગયા હતા, છતાં કુબેરનું આમંત્રણ સ્વીકાર્યું. જોકે તેમણે કહ્યું કે તેઓ તો નહીં આવી શકે, પણ બાળ ગણેશ ચોક્કસ આવશે. કુબેરના મનમાં એમ થયું કે ગણેશ તો બાળક છે, એ કેટલું ખાશે?

જેટલું બનાવ્યું છે એમાંથી થોડું-થોડું ચાખશે તો પણ તેમનું પેટ ભરાઈ જશે. ગણેશજી કુબેરના મનમાં ચાલી રહેલા વિચારો જાણી ગયા.

ભોજન શરૂ થયા પહેલા કુબેરે દેવતાઓને પોતાનો ભવ્ય મહેલ બતાવ્યો. એ દરમિયાન ગણેશજીએ ભોજનની ઈચ્છા વ્યક્ત કરતાં ભોજન પીરસાયું. ગણપતિ તો ફટાફટ બધું જ ભોજન આરોગી ગયા, પણ તેમની ભૂખ સંતોષાતી નહોતી એટલે કુબેરે ફરી ભોજન બનાવવાનો આદેશ આપ્યો પણ ગણેશજીને એટલી ભૂખ લાગી હતી કે તેઓ ભોજન બનાવવાની રાહ જોઈ શક્યા નહીં અને રસોડામાં જઈને કાચું ભોજન ખાવા લાગ્યા. રસોડામાં રાખેલી બધી સામગ્રી સમાપ્ત થઈ ગઈ.

ગણેશજીને એટલી ભૂખ લાગી હતી કે તેઓ કુબેર રસોડામાં પડેલા સોનાના વાસણો તથા અન્ય બીજી બધી વસ્તુઓ ખાવાનું પણ શરૂ કરી દીધું. બાળ ગણેશનું આ રૂપ જોઈને કુબેર આશ્ચર્યમાં મુકાઈ ગયા અને તેમને તેમની ભૂલનો અહેસાસ થયો. તેઓ મદદ માટે કૈલાસ પર્વત પર ભગવાન શિવની શરણમાં પહોંચ્યા.

ભોળાનાથે કુબેરને માતા પાર્વતીના હાથે બનાવેલો લાડુ આપ્યો અને કહ્યું, ગણેશને ખવડાવી દેજો. લાડુ ખાતાં જ ગણેશજીની ભૂખ શાંત થઈ ગઈ.

આ જોઈ કુબેર ફરી ભગવાન શિવ પાસે ગયા અને આમ થવાનું કારણ પૂછયું. ત્યારે ભગવાન શિવે કહ્યું કે ભોજન ગ્રહણ કરનારને તૃપ્તિ ભોજન કરાવનારની ઈચ્છા અને ભાવનાથી પ્રાપ્ત થાય છે. તમે જે ભોજન કરાવ્યું તેમાં પ્રેમ અને સન્માનનો ભાવ ન હતો, પણ અહંકારનો ભાવ હતો.  કુબેર દેવતાને પોતાની ભૂલ સમજાઈ અને પોતે ભૂલ માટે પ્રભુ પાસે ક્ષમા માંગી.•

You might also like