વ્હીલચેરમાં દર્દીના બદલે માલસામાનની હેરફેર!

અમદાવાદ: દર્દની સારવાર માટે હોસ્પિટલમાં અાવતી વ્યક્તિ કે પછી તેના સ્વજનને સાવ પાયાની કહી શકાય તેવી સુવિધા માટે પણ સંઘર્ષ કરવો પડે ત્યારે તંત્રની સંવેદનહીનતા પર સવાલ ઊઠે તે સ્વાભાવિક છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલમાં વ્હીલચેરના અભાવે ઇમર્જન્સી સારવાર માટે લવાતા દર્દી અને દર્દીનાં સગાંને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, હોસ્પિટલમાં દરરોજની ૭૦થી વધુ ઇમર્જન્સી કેસ આવતા હોય છે. વ્હીલચેર હોવા છતાં દર્દીઓને ઊંચકીને લઇ જવાની ફરજ તેમનાં સગાંઓને પડે છે.ત્યારે બીજી બાજુ એલ જી હોસ્પિટલનો સ્ટાફ વ્હીલચેરનો ઉપયોગ ચાદરો , ટિફિન,જમવાનું તેમજ અન્ય ચીજ વસ્તુ લઈ જવા માટે કરે છે. જેના કારણે દર્દીને વ્હીલચેરની રાહ જોવી પડે છે.

હોસ્પિટલનાં આધારભૂત સૂત્રોનાં જણાવ્યાં મુજબ, એલ.જી. હોસ્પિટલમાં મણિનગર, ખોખરા, વટવા, ઇસનપુર જેવાં તમામ વિસ્તારોનાં દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી રોજનાં ૭૦૦થી વધુ દર્દી ઓપીડીમાં તેમજ ૭૦થી ૮૦ દર્દી ઇમર્જન્સી સારવાર માટે હોસ્પિટલનાં કેજ્યુલિટી વિભાગમાં આવે છે. હોસ્પિટલ ઇમર્જન્સી કેસ આવે તેને વ્હીલચેરની જરૂર હોય તે દરમિયાન વ્હીલચેરની રાહ જોવી પડે છે.વ્હીલચેરમાં દર્દીને બેસાડ્યા પછી તેને સગાંએ જ લઈ જવી પડે છે.

મહત્વની વાત એ છે કે, હોસ્પિટલનાં ઇમર્જન્સી વિભાગમાં સવારના ૯થી ૧૨ અને સાંજના ૪થી ૭ના ગાળામાં ઇમર્જન્સી સારવાર માટે આવતાં દર્દીઓને એમ્બ્યુલન્સમાંથી જે તે વિભાગ કે વોર્ડ સુધી પહોંચાડવા માટે વ્હીલચેરને અભાવે દર્દીને ઊંચકીને લઇ જવા પડે છે.જો વ્હીલચેર મળે તો વોર્ડ માંથી કોઈ તે પેશન્ટ લઈ ના જાય પણ દર્દીના સગાંએ જ તેને દોરી લઈ જવામાં આવે છે.

સરકારી હોસ્પિટલની સ્થિતિ હોસ્પિટલમાં વ્હીલચેર હોવા છતાં દર્દીઓને જાતે લઇ જવાની ફરજ તેમનાં સગાંઓને પડે છે સામાન્ય રીતે હોસ્પિટલમાં વ્હીલચેરનો ઉપયોગ ચાલી ન શકતા કે અકસ્માતનાં દર્દીને એકથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે થતો હોય છે.પણ એલ જી હોસ્પિટલમાં વ્હીલચેરમાં તો ચાદરો,ટિફિન,જમવાનાં સાધનો તેમજ મશીનરી અને અન્ય ચીજ વસ્તુ માટે ઉપયોગ કરવામાં આવે છે.

એલ.જી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. સી. શાહે અા અંગે જણાવ્યું કે મારે કેટલી વ્હીલચેર છે તે આરએમઓને પૂછવું પડશે અને વ્હીલચેરમાં જે સામાનનો ઉપયોગ થાય છે કે કેમ તે તપાસ કરાવીશ. આરએમઓ ડો લક્ષ્મણ તાવિયાડે જણાવ્યું હતું કે મને ખબર ના હોય, સ્ટોરમાં પૂછવું પડશે. હોસ્પિટલમાં વધારે સામાન હોય તો વ્હીલચેરમાં લઇ જવામાં આવે છે.

You might also like