ઈલાયચી-મરી સહિત તેજાનાના ભાવમાં 45 ટકા સુધીનો ઉછાળો

નવી દિલ્હી: દેશના જથ્થાબંધથી લઇને છૂટક બજારમાં ઇલાયચી, જાવિંત્રી, જાયફળ, મરી જેવા તમામ મસાલાના ભાવ ૪૫ ટકા જેટલા મોંઘા થઇ ગયા છે. એવું માનવામાં આવે છે કે મસાલામાં આ ભાવવધારાનો સિલસિલો હજુ પણ જારી રહેશે. વાસ્તવમાં કેરળમાં આવેલા પ્રચંડ પૂરના કારણે મસાલાના પાકને ભારે નુકસાન થયું છે. તેના કારણે તેની કિંમતમાં ઉછાળો આવ્યો છે.

કેરળમાં ગોડાઉનમાં પડેલા મસાલા પર પૂરના કારણે નાશ પામ્યા છે, જેના પરિણામે ડીમાન્ડ કરતા સપ્લાય ઓછો થઇ ગયો છે. જથ્થાબંધ બજારમાં ઇલાયચીનો ભાવ પ્રતિકિલો રૂ. ૯૦૦થી વધીને રૂ. ૧,૩૦૦ થઇ ગયો છે. જાવિંત્રીનો ભાવ પ્રતિકિલો રૂ. ૧,૨૦૦થી વધીને રૂ. ૧,૭૦૦ અને જાયફળની કિંમત રૂ. ૪૫૦થી વધીને રૂ. ૬૫૦ થઇ ગઇ છે.

જથ્થાબંધ બજારમાં ઉછાળાના પગલે રિટેલ માર્કેટમાં પણ મસાલાના ભાવ વધી ગયા છે. એવરેસ્ટનો ૧૦૦ ગ્રામ મસાલા પેક રૂ. ૭૨થી વધીને રૂ. ૭૮ થઇ ગયું છે. ૧૦૦ ગ્રામ છોલે મસાલાનો ભાવ રૂ. ૫૮થી વધીને ૬૪ થઇ ગયો છે.

You might also like