વોટ્સએપ દિવ્યાંગો માટે અાશીર્વાદરૂપ

જબલપુર: ગઈ કાલ સુધી જેઓ પોતાની વાત ઈશારાથી સમજાવતા હતા તેવા મૂક બધિરો અને દિવ્યાંગો માટે વોટસએપની નવી ટેકનીક આશીર્વાદરૂપ બની ગઈ છે. જે લોકો બોલી કે સાંભળી શકતા નથી અથવા જોઈ શકતા નથી તેવા લોકો આવી ટેકનિકનો ઉપયોગ કરી તેમની વાત આસાનીથી બીજાને સમજાવી શકે છે. તેથી વોટસઅપ અને એસએમએસ તેમના માટે નવો વિકલ્પ બની ગયા છે.

આજકાલ જે રીતે સોશિયલ મીડિયાનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે નવી ટેકનોલોજીએ અનેક ક્ષેત્રે વિકાસ પણ કર્યો છે. ખાસ કરીને મૂક-બધિર અને દિવ્યાંગ લોકો માટે વોટસઅપ ખૂબ જ ઉપયોગી સાધન બની ગયું છે. મોટાભાગના દિવ્યાંગો વોટસએપથી એકબીજા સાથે સંવાદ કરે છે. એટલુંુ જ નહિ ઈશારાની ભાષા દ્વારા તેઓ જે શબ્દ શીખે છે તેને વોટસએપ પર મોકલી એકબીજા સાથે વાત કરી રહ્યા છે. તેમાં સ્માઈલી વગેરે જેવી બાબતો મુખ્ય હોય છે.

આ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે મૂક બધિરો વોટસએપ પર તેમના ગ્રૂપની સંખ્યા વધારી રહ્યા છે. અને તે રીતે તેમની આગવી દુનિયા વિકસી રહી છે. તેઓ વોટસએપથી વાત કરે છે. પરંતુ તેઓ તેમાં તેમની ખાસ ભાષા અને ઉપાયનો ઉપયોગ કરે છે. તેઓ આ ગ્રૂપમાં એવા મેસેજ મોકલાવે છે કે જે વીડિયોકોલિંગના ઈશારાથી એકબીજા સાથે વાત કરે છે.

મૂક-બધિર છતાં સફળ ફોટોગ્રાફર
અનુરાગ અગ્રવાલ બોલી કે સાંભળી શકતો નથી. તેમ છતાં આજે તે સફળ પ્રોફેશનલ ફોટોગ્રાફર છે. તે લગ્ન અથવા અન્ય સમારંભમાં ફોટોગ્રાફી કરે છે. ખાસ કરીને તે તેના ગ્રાહક સાથે વાત કરવા વોટસએપથી મેસેજ મોકલી આપે છે. તે રીતે તેને સારા ઓર્ડર મળે છે. ત્યારે વોટસએપ તેના માટે ઉપયોગી અને હાથવગું સાધન બની ગયુ છે. મૂક બધિર છતાં તે આજે સારું કમાઈ શકે છે.

ઈશારો સમજી પ્લાસ્ટર બાંધે છે
જબલપુરની એક ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફ મૂક બધિર છે. અસ્થિરોગના નિષ્ણાત ડો. જિતેન્દ્ર જામદારના જણાવ્યા અનુસાર આ મૂક બધિરને ઈશારાથી સમજાવવામા આવતાં તે દર્દીઓને પ્લાસ્ટરનો પાટો બાંધી શકે છે તેમજ ખોલી પણ નાંખે છે.

You might also like