વોટ્સએપ પર વરલી મટકાનો જુગાર

અમદાવાદ: શહેરમાં ઠેરઠેર ચાલતા દારુ જુગારના અડ્ડાને બંધ કરાવીને બુટલેગરો અને સટ્ટાકિંગો પર પોલીસે લાલ આંખ કરી ધોંસ જમાવી છે ત્યારે બુટલેગરો અને સટ્ટાકિંગો પણ પોલીસની ઐસી કી તૈસી કરીને પોતાનો ધંધો બિનધાસ્ત થઇ ચલાવી રહ્યા છે. પહેલાં વરલી મટકાનો આંક રમાવા માટે લોકોનું ટોળું ભેગું થતું હતું પરંતુ હવે વરલી મટકાનો આંક વોટ્સઅપ પર રમાડવામાં આવી રહ્યો છે. વોટ્સઅપ પર વરલી મટકાનો જુગાર રમાડતા એક યુવકની પોલીસે ધરપકડ કરી છે.

શાહીબાગ વિસ્તારમાં આવેલ ઉત્તર ગુજરાત સોસાયટી પાસે ઊભો રહેલો એક યુવક મોબાઇલ ફોનમાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી શાહીબાગ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે યુવકની અટકાયત કરીને તેનો મોબાઇલ કબજે કરી લીધો હતો.

યુવકનું નામ અમિત બળદેવભાઇ પટેલ (રહે ૩૬ અયોધ્યાનગરી સોસાયટી, ન્યૂ રાણીપ) છે અને તે છેલ્લા ઘણા સમયથી વોટ્સઅેપ મારફતે વરલી મટકાનો જુગાર રમાડતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.  પોલીસે તેના મોબાઇલનું વોટ્સઅેપ ચેક કરતાં અલગ અલગ મોબાઇલ નંબરમાં સટ્ટાના આંક લખેલા હતા તથા સટ્ટાની સ્લિપોના ફોટોગ્રાફ મળી આવ્યા છે. વોટ્સઅેપમાં પોલીસને દસ અલગ અલગ નંબર મળી આવ્યા છે. જેમાં અમિતે તમામ સાથે વરલી મટકાના આંકડાની આપ લે કરી છે.

You might also like