વોટ્સઅેપ અને ફેસબુકના કારણે લોકો રાત્રે દોઢ કલાક મોડા સૂવે છેઃ સર્વે

નવી દિલ્હી: શું વોટ્સઅેપે તમારો સૂવાનો સમય બદલી દીધો છે તો વોટ્સઅેપ કે ફેસબુકના કારણે મોડા સૂતા લોકોમાં તમે એકલા નથી. બેંગલુરુની નેશનલ ઇન્સ્ટિટ્યુટ અોફ મેન્ટલ હેલ્થ અેન્ડ ન્યૂરો સાયન્સ દ્વારા કરાવાયેલા સર્વેમાં એ વાત સામે અાવી છે કે સોશિયલ મીડિયાઅે લોકોના સૂવાના સમય અને કલાકોને ખૂબ જ ખરાબ રીતે અસર પહોંચાડી છે.

સંશોધન મુજબ વોટ્સઅેપ અને ફેસબુકને કારણે લોકો રોજ દોઢ કલાક મોડા સૂવે છે. સર્વેમાં અે વાત પણ જાણવા મળી છે કે ઇન્ટરનેટના ઉપયોગના કારણે લોકો દોઢ કલાક મોડા પણ ઊઠે છે.  ભારતીય જર્નલ અોક્યુપેશન અેન્ડ એન્વાયર્મેન્ટ મેડિસિનમાં જાન્યુઅારી મહિનામાં પ્રકાશિત થયેલા સંશોધનનાં પરિણામો કહે છે કે સૂતા-સૂતા વચ્ચે ચાર વાર લોકો પોતાનો ફોન ચેક કરે છે. ડોક્ટર્સ અા માટે માત્ર એક જ સલાહ અાપે છે કે સૂતી વખતે લોકો પોતાનાં ફોન અને અન્ય ડિવાઈસ બંધ કરી દે.

ડોક્ટર્સનું કહેવું છે કે સૂવામાં ખલેલ પડતાં કે અોછી ઊંઘ અાવતાં તમે હૃદયરોગ અને એંગ્ઝાયટીનો શિકાર બનો છો. ૨૦૧૫માં પ્રકાશિત એક સંશોધન મુજબ ગુડગાંવની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં હૃદયરોગથી પીડિત ૯૦ ટકા યુવાનો સ્લિપિંગ ડીસ અોર્ડરથી પીડાતા હતા.

સંશોધક ડો. મનોજ શર્માઅે જણાવ્યું કે ૫૮.૫ ટકા લોકોઅે માન્યું કે વોટ્સઅેપના કારણે લોકો મોડી રાત સુધી જાગે છે. ત્યારબાદ સૌથી વધુ લોકો ફેસબુકથી પ્રભાવિત છે. જી મેઇલનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા પણ ૪૫.૩ ટકા છે. સામાન્ય રીતે રાત્રે ૧૦.૦૦થી સવારે ૬ વાગ્યા સુધી સૂવાના બદલે લોકો રાત્રે ૩ વાગ્યાથી સવારે ૧૧ વાગ્યા સુધી સૂઈ જાય છે. માત્ર વયસ્ક નહીં પણ બાળકો પણ રાત્રે ૧ વાગે સૂવે છે.
http://sambhaavnews.com/

You might also like