વ્હોટ ધ હેલ ઇઝ ઈશ્ક સુફિયાના ?

વિદ્યા બાલનનો જાંબલી ડ્રેસ હવામાં પાંત્રીસ ફૂટ ઊંચો ઊડે છે. મોઢે સફેદ બુકાની બાંધીને નાચતી બાળાઓ વચ્ચેથી સિરિયલ કિસ્સર ઇમરાન હાશ્મી પ્રગટ થાય છે અને કાન ફાટી  જાય એવા ઊંચા સૂરમાં ગાય છે – ‘તેરે વાસ્તે મેરા ઇશ્ક સુફિયાના!’ અને હું ટીવી જોતાંજોતાં ચમકી જાઉં છું. આ શું નોનસેન્સ ચાલી રહ્યું છે? વ્હોટ ધ હેલ ઇઝ ઇશ્ક સુફિયાના?
‘અભિયાન’ના આ દિવાળી અંકમાં આપણે જે નિજાનંદની વાત કરીએ છીએ, સુફિઝમ કે સૂફીવાદ કે ‘સુફિયાના’ વિચારધારા, એ નિજાનંદનું ઊંચામાં ઊંચું લેવલ છે. નિજ એટલે કે સેલ્ફ જ ના રહે અને છતાંયે આનંદ રહે એ કેવું? આટલું સમજોને બાપુ, તો બે મિનિટમાં સૂફી થઈ જવાય.
સૂફી કાવ્યની વાત આવે તો સૌને પેલા ગોળગોળ ફરતા દરવેશો યાદ આવે. જોધા-અકબરમાં એમ જ ગોળગોળ ફરીને હૃતિક રોશન પણ સૂફી બની ગયો. પણ હાથ અધ્ધર કરીને ગોળ ફરવામાત્રથી શું અકબર સૂફી થાય? આવા સવાલો અમારી ફિલ્મલાઈનમાં કોઈને થતા જ નથી. સ્વતંત્ર અને મૌલિક વિચારોના દુકાળમાં જે આઈડિયા આવી જાય એ સમજ્યા-વિચાર્યા વગર શૂટ જ કરી નાખવાનું.
પણ મારા માટે સૂફી શબ્દનો દુરુપયોગ પચાવવો બહુ અઘરો છે. કદાચ એટલા માટે કે મારો જન્મ અજમેરમાં થયો અને અજમેર એટલે હિન્દુસ્તાનની ધરતી પર સૂફી વિચારનો પાયો નાખનાર ગરીબ નવાઝ, ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીનું શહેર. ખ્વાજા સાહેબ એટલે સર્વ ધર્મ સમભાવના પૂતળા. હિન્દુ, મુસલમાન, અમીર, ગરીબ સૌને એમની મજલિસમાં આવકાર. એમણે જ ‘સુલહેકુલ’નો વિચાર આપ્યો. સુલહેકુલ એટલે સૌની સાથે હળીમળીને રહેવાનું. માણસમાત્ર વચ્ચે ભેદભાવ રાખવાના નહીં. આ રીતે જોઈએ તો ખ્વાજાસાહેબ એક ધર્મગુરુ કરતાં સમાજસુધારક વધારે ગણાય. લગભગ દરેક સૂફી ગુરુએ ધર્મના કામ કરતા સોશિયલ રિફોર્મ્સ વધારે કર્યા છે.
સુફિઝમ, એમના ગુરુઓ પ્રમાણે એવું વિજ્ઞાન છે જેનો હેતુ છે માણસની આંતરિક ખામીને મટાડી, સાંસારિક વસ્તુઓથી મોઢું ફેરવીને માત્ર ખુદામાં હૃદય રાખવું. અહીં ખુદા એટલે અલ્લાહ કે ઈશ્વર તો ખરા જ પણ બૃહદ અર્થમાં જે કાંઈ સારું ને પવિત્ર હોય એવું ધારવું વધારે વાજબી છે.
ઘણા ખરા સૂફીઓ, પહેલાં સૂફી તરીકે હજરત મોહમ્મદના ભાઈ અને જમાઈ, અલીનું નામ સૂચવે છે. અલીએ
પોતાના હાથે પહેલું કુરાન શરીફ લખ્યું હતું. અલી એવું કહે છે કે હજરત સાહેબે પોતે અલીને કુરાનનો દરેક શબ્દ અને એની તફસીર એટલે કે વ્યાખ્યા કહી હતી. એટલે સૂફી વિચાર એ ઇસ્લામનું હાર્દ છે. ઘણા લોકોને કદાચ અચરજ પણ થાય કે હાથમાં તલવાર લઇને ફરતા અને ઇસ્લામના પ્રચાર માટે કતલ કરતા અલી, આ શાંત સૂફી સંપ્રદાયના પાયારૃપ કઈ રીતે હોય? પણ એ ચર્ચા આપણે અત્યારે ન કરીએ, કારણ કે એના માટે ઇસ્લામના ઇતિહાસમાં બહુ ઊંડે જવું પડે. આપણે વાત કરીએ સૂફી સંપ્રદાયના સૌથી લોકપ્રિય – સુફિઝમના પોસ્ટરબોય ગણી શકાય એવા રૃમીની.
જલાલુદ્દીન મોહમ્મદ રૃમી તેરમી સદીમાં થઇ ગયા. એમના પિતા બહાઉદ્દીન પોતે ખૂબ જ્ઞાની અને સન્માનીય હતા. કહેવાય છે કે એક વાર બહાઉદ્દીન ચાલતાં જતા હતા ને પાછળ પાછળ એમનો દીકરો રૃમી પણ ચાલતો હતો. આ જોઈને એક મોટા ગુરુ અત્તરસાહેબે ફરમાવ્યું કે, *આ જુઓ, દરિયાની પાછળ પાછળ મહાસાગર ચાલતો આવે છે!*
રૃમી જ્ઞાનની તલાશમાં ચાર વરસ દમાસ્કસમાં ફર્યા. ત્યાં જ રૃમીને પોતાના ગુરુ શમ્સ મળ્યા. શમ્સ-એ-તબરેઝીની વાર્તા પણ ગજબ છે. રૃમીને મળ્યા પહેલા શમ્સ દરબદર ભટકતાં અને પ્રાર્થના કરતા કે મને કોઈ સહન કરનારું મળે.
એક વાર એક ગેબી અવાજ આવ્યો કે
“શમ્સ! તને સહન કરનારો મળે તો શું આપીશ”
શમ્સે તરત કહ્યું, “માથું આપીશ!”
ગેબી અવાજે કહ્યું,
“તો જા, તું જેને શોધી રહ્યો છે એ કોન્યામાં છે.”
તુર્કિસ્તાનના કોન્યા શહેરમાં શમ્સને રૃમી મળ્યા.
રૃમીનો શમ્સ પ્રત્યે આદર નહીં, પ્રેમ નહીં, પાગલપન જ કહેવાય. રૃમીના ગુરુ માટે પ્રેમાલાપ વાંચો તો કાન લાલ થઇ જાય. ખેર, પાંચમી ડિસેમ્બર બારસો અડતાલીસ. શમ્સ અને રૃમી વાતો કરતા હતા. બહારથી કોઈકે શમ્સને બોલાવ્યો. શમ્સ બહાર ગયા અને ક્યારેય પાછા આવ્યા નહીં. કહેવાય છેકે રૃમીના દીકરાએ જ શમ્સનું ખૂન કર્યું. શમ્સે પોતાને ‘સહન’ કરનાર રૃમી માટે સાચે જ માથું આપ્યું. આને કહેવાય ઇશ્ક સુફિયાના. ઇમરાન હાશ્મી પ્લીઝ, ટેક અ નોટ.
સાત વરસ પહેલાં હું થોડા દિવસ તુર્કી રહી આવ્યો. ત્યાં આજે પણ રૃમીના અનુયાયી છે, દરવેશો છે. આપણે અહીં જેમ રામનામનો મહિમા છે એમ સૂફીપંથમાં ધિકર થાય. ધિકર એટલે ઉર્દુ શબ્દ ઝિક્ર જેવું. ઝિક્ર એટલે ઉલ્લેખ કે સ્મરણ. એક રીતે મેડિટેશન છે. એક કુંડાળામાં દરવેશો બેસે અને એક જ રિધમમાં ગોળગોળ ફરે. ખૂબ જોવાલાયક – જોવા શું – કરવાલાયક એક્સરસાઇઝ છે. આ દરવેશોના પંથને મેવલાના કહેવાય. મેવલાના એ મૌલાના શબ્દનું જ તુર્કીશ ઉચ્ચારણ છે. રૃમી મેવલાના હતા. બાકાયદા જજ હતા. ન્યાય કરે અને ફતવાઓ પણ આપે.
તુર્કીમાં રૃમીની બોલબાલા છે તો આપણા ભારતમાં પણ કમાલના સૂફીઓ થયા છે. સત્તરમી સદીમાં પંજાબના ગિલાનીયા ગામમાં અબ્દુલ્લા શાહ પેદા થયા. આ અબ્દુલ્લા શાહ એટલે પેલા રબ્બી શેરગિલના ગીત ‘બુલ્લા કી જાણા મૈં કૌન’ નો ઓરિજિનલ બુલ્લેશાહ. ઓળખાણ ના પડી? ચાલો બીજો ઈન્ટ્રો આપું. ગુલઝાર સાહેબનું ગીત ‘છૈયાં છૈયાં’ યાદ છે? હા! ટ્રેનના ધાબા પર શાહરુખ અને મલાઈકા કૂદંકૂદી કરતાં હોય છે એ જ. એ ગીતના શબ્દોની ઈન્સ્પિરેશન બુલ્લે શાહનું ગીત છે, ‘તેરે ઇશ્ક નચાયા કર થૈયા થૈયા.’ મારા પૂર્વજો પણ પંજાબી છે એટલે
નાનપણથી બુલ્લે શાહનું કથન સાંભળ્યું એ સદ્નસીબ.
બુલ્લે શાહ પોતે અલીના વંશજ. મુસ્લિમ સમાજમાં બ્રાહ્મણ બરાબર હોદ્દાવાળા સૈયદ પરિવારમાં જન્મેલા. પણ બુલ્લે શાહે
પોતાના મુર્શીદ એટલે ગુરુ તરીકે શાહ ઇનાયત કાદરીને માન્યા. હવે મોટો લોચો એ કે આ ઇનાયત કાદરી સાહેબ હતા અરાઈ જાતિના. અરાઈ જાતિના લોકો સામાન્ય ખેડૂત, પણ સૂફીવાદ જાતિવાદને ગણે જ નહીંને. બુલ્લે શાહ ખાનદાનમાં નાના એટલે સૌને વ્હાલા. તો બુલ્લે શાહને એમની બહેનો અને ભોજાઇઓ સમજાવવા આવી કેઃ
અરે બુલ્લૈયા! તું હજરત અલીનો વંશજ થઇ
ક્યાં પેલા અરાઈની સાથે ફરે છે!
તો બુલ્લે શાહે જવાબ આપ્યો કે
જેહડા સાનુ સૈયદ આખે
દોઝખ મિલે સજાઈયાં
જો કોઈ સાનુ રાઈ આખે
ભીશતી પીંઘા પાઇયાં
(જે કોઈ મને સૈયદ કહેશે એને નરકની સજા થશે અને જે કોઈ મને અરાઈ કહેશે એ સ્વર્ગમાં હીંચકા ખાશે!)
બુલ્લે શાહનું કવન જેટલું સરળ એટલું જ ગહન. હિન્દી હોય કે ઉર્દુ કે
પંજાબી – બુલ્લે શાહ પછીનો કોઈ પણ કવિ – જાણતા કે અજાણતા – બુલ્લે શાહના સૂફી વિચાર પ્રયોગથી બચી શક્યો નથી. હું ઘણી વાર કૈંક લખું ને જરાક માન થાય કે બોસ આપણે કેવું સરસ ઓરિજિનલ લખી કાઢ્યું છે. પછી બે-પાંચ મહિને ખબર પડે કે ભાઈ ચારસો વરસ પહેલાં આ વાત બુલ્લે શાહ ઓલરેડી કહી ગયેલા છે, એટલે બધ્ધો ગુમાન ઓગળી જાય. આવું એકથી વધારે વાર બની ચૂક્યું છે. મારી શું વિસાત! પણ હિન્દીના શિરમોર કવિ હરિવંશરાય બચ્ચનની ‘મધુશાલા’ તો વાંચી જ હશેને? (યસ યસ, અમિતાભ બચ્ચન’સ ફાધર – સેમ હરિવંશરાય). લો એમનો એક છંદ
મૈં દેખ ચુકા જ મસ્જિદ મેં
ઝુક ઝુક મોમીન પઢતે નમાઝ
પર અપની ઇસ મધુશાલા મેં
પિતા દીવાનોં કે સમાજ
વહ પુણ્ય કૃત્ય, યહ પાપ કર્મ
કહ ભી દૂં તો દૂં ક્યા સબૂત
કબ કંચન મસ્જિદ પર બરસા
કબ મદિરાલય પર ગિરી ગાજ
હવે બુલ્લે શાહનું કવન
ફૂંક મુસલ્લા ભંન સુટ ગેટા,
ના ફડ તસ્બીહ આસા સોટા
આશક કેંદે દે-દે હોકા,
તરક હલાલો ખા મુર્દાર,
ઇશ્ક દી નવીયો નવી બહાર!
મુસ્સલાને ફૂંકી દો. લોટાને તોડી નાખો. તસ્બીહ (માળા), આસા, સોટા – કશું જ હાથમાં રાખશો નહીં. આશિક પોકારી રહ્યો છે કે (એને) ખરેખર પામવું હોય તો હલાલ ને હરામ વચ્ચેનો ફરક ભૂલી જાઓ! છે ને મજબૂત વિચાર?
સુફિઝમની છીછરી સમજ રાખનારા એવું પણ કહે કે સૂફી હોવા માટે મુસ્લિમ હોવું જરૃરી છે. આવા લોકોએ બાંગ્લાદેશસ્થિત ચિત્તાગોંગ શહેરની મુલાકાત લેવી જોઈએ જ્યાં બહુ મોટા સૂફી ગુરુ બાયજીદ બિસ્તામીની મજાર છે. બાયજીદ પોતે તો મિડલ ઈસ્ટમાં જ રહ્યા પણ એમનું નામ હજારો માઈલ દૂર પહોંચ્યું. આ જ બાયજીદ બિસ્તામીએ કહેલુંઃ “મૌનથી વધારે ઝળહળતો દીવો મેં જોયો નથી!” કમાલની વાત એ છે કે આ બાયઝીદ જન્મે મુસ્લિમ નહીં પણ યહૂદી હતા. આમેય સાચું પૂછો તો સારા માણસ હોવું એ જ સૂફી વિચારનો
પાયો છે. ધર્મ કરતાં કર્મનો ખ્યાલ રાખવો વધારે જરૃરી છે. આજે
આપણા સૌનું ફોકસ સારા હિન્દુ કે સારા મુસલમાન કરતાં સારા માણસ બનવા ઉપર હોય. સાચ્ચા અર્થમાં સૂફી બનવા પર હોય તો શું વાત!
જતાં જતાં સૂફી દુનિયાને અમારી ફિલ્મી દુનિયાના કમેળનો એક બીજો કિસ્સો કહી દઉં. વાત ત્યારની છે જ્યારે મેં ફિલ્મોમાં ગીતો લખવાનાં બસ શરૃ જ કર્યાં હતાં. સંગીતકાર પ્રીતમ મારો ખાસ દોસ્ત. એના માટે મેં એક સૂફી ગીત લખ્યું જેના શબ્દ હતાઃ
ફલક દેખું, ઝમીં દેખું,
જહાં દેખું તેરા ચેહરા વહીં દેખું.
હર ઈક મંઝર, તેરા મંઝર,
વો ક્યા મંઝર, જહાં તુઝકો નહીં દેખું!
જલવા, યે તેરા, અલ્લાહ હૈ ચારોં સૂ!*
એક પ્રોડ્યુસરને ગીત ગમી પણ ગયું. પણ એ મને કહે કેઃ “મયૂરજી, યે અલ્લાહ કી જગહ મેરી જાન કર  દો તો ગાના રોમેન્ટિક હો જાયેગા.”
પંદર હજાર રૃપિયા મળતા હતા એટલે મેં પણ સોદો કરી નાખ્યો. ‘ગરમ મસાલા’ નામની ફિલ્મ છે. ક્યારેક જોવા મળે તો જોજો. મારા સૂફી ગીત પર અક્ષય કુમાર કેવો નાનાં કપડાં પહેરેલી ૩ છોકરીઓ પાછળ નાચતો ફરે છે. નિજાનંદની ગેરંટી નથી પણ ગલગલિયાં તો થશે જ.
-મયુર પુરી
You might also like