શું માણસ પોતાની પ્રકૃતિ બદલી ન શકે?

મનુષ્યની વાત હોય કે કોઈ પ્રાણીની, પ્રકૃતિ તેના પ્રાણની સાથે જ છૂટે એ વાત શું સાચી છે? પ્રાણની સાથે પ્રકૃતિનું આવું અતૂટ જોડાણ હોય છે? પ્રકૃતિ એટલે આમ તો મૂળભૂત સ્વભાવ અને સ્વભાવ તો બદલાય જ નહીં એ શું સાચું છે? અકબર બાદશાહ અને બીરબલ વચ્ચેની એક કથા છે. અકબર બાદશાહે એક બિલાડીને સરસ તાલીમ આપી હતી અને બિલાડી સુંદર નાચતી હતી. અકબરે બીરબલને કહ્યુંઃ “બીરબલ, મેં બિલાડીને એટલી સરસ તાલીમ આપી છે કે એને નાચ કરતી જોનાર કોઈ પણ વ્યક્તિના મુખમાંથી ‘વાહ, વાહ’ એવા શબ્દો નીકળ્યા વગર રહે જ નહીં !” બીરબલે કહ્યું કે, “નામદાર, આપે જરૂર એને સુંદર નાચવાનું શીખવ્યું હશે, એમાં શંકાને અવકાશ જ ના હોય પણ ગુસ્તાખી માફ, આખરે કોઈ પણ પ્રાણી એની મૂળભૂત પ્રકૃતિને આધીન હોય છે. એ પ્રકૃતિ એ છોડી ના શકે! એ જરૂર સુંદર નાચતી હશે પણ કસોટીની પળે તેની જન્મજાત પ્રકૃતિને તે વશ થયા વગર રહી ના શકે!”

અકબર બાદશાહે કાંઈક અણગમાથી કહ્યું, “બીરબલ, દરેક બાબતમાં તને પ્રતિવાદ કરવાની આદત પડી ગઈ છે. તને કોઈ કશું કહે તો તું તેનો નિઃસંકોચ સ્વીકાર કરી શકતો નથી અને દરેક બાબતમાં વિવાદ કરે છે. મારો વિચાર આવતી કાલે દરબારમાં મારા તમામ દરબારીઓ હાજર હોય ત્યારે એ બિલાડીનો નાચ પેશ કરવાનો છે ત્યારે તું પણ હાજર હશેને? ત્યારે તું એ નાચ જોઈને કહેજે કે આમાં એની મૂળભૂત પ્રકૃતિને વશ થવાની વાત ક્યાંથી આવશે?”  શહેનશાહ અકબરે બીજા દિવસે શાહી દરબારમાં બિલાડીના નાચનું આયોજન કર્યું. બિલાડીનો નાચ શરૂ થયો અને બધા જ દરબારીઓ આનંદ અને આશ્ચર્યથી તે જોઈ રહ્યાં.

બીરબલે પોતાના ખિસ્સામાંથી એક ઉંદર કાઢીને તેને છુટ્ટો મૂક્યો. ઉંદરને જોઈને બિલાડી તરત નાચવાનું પડતું મૂકીને ઉંદરની પાછળ દોડી ગઈ. શહેનશાહ અકબર કંઈ બોલ્યા નહીં. બીરબલે જે કહેવાનું હતું એ કહી ચૂક્યા હતા. હવે વિશેષ કશું એમને કહેવાનું હતું નહીં. આમાં મુખ્ય મુદ્દો એ છે કે ખરેખર પ્રકૃતિ અને પ્રાણ વચ્ચે આવો એક અતૂટ સંબંધ છે કે માણસ ઇચ્છે તો પણ પોતાની પ્રકૃતિમાં-પોતાના સ્વભાવમાં બિલકુલ પરિવર્તન લાવી જ ન શકે? એક દૃષ્ટાંત જોઈએ તો કોઈક વ્યક્તિનો ગુસ્સો ગમે ત્યારે ભભૂકી ઊઠે છે. પોતાના આ ક્રોધ વિશે તે સજાગ છે ને પોતાના ક્રોધને અંકુશમાં લેવા માગે છે. એ વ્યક્તિ કૃતનિશ્ચયી હોય તો પણ પોતાના આ સ્વભાવને બદલી જ ના શકે? શું એમાં એ કશો ફેરફાર કરી જ ના શકે? એવી જ રીતે કોઈક વ્યક્તિનો સ્વભાવ લોભી છે તો એ કદી લોભની લાગણીથી અપવાદ રૂપે પણ મુક્ત થઈ ના શકે? એવી જ રીતે કોઈક વ્યક્તિને સૌ કોઈ અત્યંત સ્વાર્થી પ્રકૃતિનો માને છે. એ વ્યક્તિ તેના આ સ્વભાવમાં સહેજ પણ પરિવર્તન લાવી જ ના શકે?

આ સંદર્ભે આ વાત ખરી હોય તો પણ ઘણા બધા માણસોએ પોતાના સ્વભાવના દોષોને દૂર કરવાની પ્રામાણિક કોશિશ કરી છે ને સફળતા પણ મેળવી છે. લોકનાયક સ્વ. જયપ્રકાશ નારાયણે પ્રભાવતી દેવી સાથે લગ્ન કર્યાં હતાં અને કુમળી વયને લીધે કે પછી મહાત્મા ગાંધીના પ્રભાવની અસર નીચે તેમણે બ્રહ્મચર્યનું વ્રત લીધું. એ વ્રત તો પતિ-પત્ની બંનેનું વ્રત બની ગયું. જયપ્રકાશજીએ આ વ્રતને બરાબર પાળ્યું. બંને તદ્દન નોર્મલ વ્યક્તિત્વવાળાં પતિ-પત્ની હતાં. જયપ્રકાશજીને લગ્નનું જે દેહસુખ ના મળ્યું તેનો કશો વિકલ્પ શોધ્યો હોય તેવું જોવા મળતું નથી. મૂળ મુદ્દો એ જ છે કે માનવી ધારે તો પોતાના સ્વભાવમાં પરિવર્તન સિદ્ધ કરી શકે છે. પણ એના માટે ઇચ્છાબળ-સંકલ્પશક્તિ જોઈએ. આપણે અનેક પ્રસંગોમાં જોઈએ છીએ કે પ્રાણની રક્ષા કરીને માણસ પોતાનો સ્વભાવ બદલી શકે છે. મનોબળ માનવીની અજોડ શક્તિ રૂપે પ્રમાણિત થઈ ચૂકેલું છે. માણસ પોતાની નિર્બળતા ઢાંકવા માટે પ્રાણ ને પ્રકૃતિની અતૂટ સગાઈનો હવાલો આપે તે જુદી વાત છે.

You might also like