અા રિપોર્ટનો હવે શો અર્થ?

અમદાવાદ: અમદાવાદીઓ દાનવીશક્તિ પર દૈવીશક્તિના પર્વ દશેરાની ઉજવણી વખતે ફાફડા-જલેબી હોંશે હોંશે ખાતા હોય છે. ગુજરાતના કારીગરોની સાથે-સાથે છેક રાજસ્થાનના કારીગરોની દશેરાએ માગ ઊઠે છે. કરોડો રૂપિયાનાં ફાફડા-જલેબીને દશેરાએ લોકો ઝાપટી જાય છે, જોકે મ્યુનિ. તંત્ર દેખાવ પૂરતા દશેરા નિમિત્તે ફાફડા-જલેબી બનાવનારી ફરસાણની દુકાનો કે રેસ્ટોરાં પર દરોડા પાડે છે, પરંતુ ફાફડા-જલેબીના નમૂનાના રિપોર્ટ છેક પંદર દિવસે આવતા હોઇ તંત્ર માટે ઘોડા આ એક પ્રકારે ઘોડા નાસી છૂટ્યા બાદ તબેલાને તાળાં મારવા જેવો ઘાટ સર્જાય છે.

દશેરાના દિવસે વેપારીઓએ ફાફડાને કિલોદીઠ રૂ. ૪૦૦થી ૫૦૦ અને જલેબીને કિલોદીઠ રૂ. ૫૪૪થી ૬૦૦ના ઊંચા ભાવે એટલે કે ગત વર્ષના દશેરાના ભાવની તુલનામાં ૪૦ ટકાનો વધારો કરીને લોકોને લૂંટ્યા હતા. શહેરમાં ઠેરઠેર ફાફડા-જલેબીના વેચાણનો પંડાલો બંધાયા હતા. અનેક જગ્યાએ શુદ્ધ ઘીની જલેબીના દાવા કરાયા હતા. પરંતુ દશેરાના એક દિવસ પહેલા જ કંભકર્ણી નિંદ્રામાંથી મ્યુનિ. હેલ્થ વિભાગ જાગ્યો હતો. શહેરભરમાંથી ફક્ત ૩૦ ફરસાણવાળા-રેસ્ટોરાંમાંથી ફાફડા-જલેબી સહિતના ૯૪ નમૂના લેવાયા હતા. આ નમૂનાઓને બાદમાં નવરંગપુરા સ્થિત મ્યુનિ. લેબમાં ચકાસણી માટે મોકલાયા હતા. કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ દ્વારા ફાફડાના તેર નમૂના તેમજ જલેબીના ૨૧ નમૂના સહિતના લેવાયેલા ૯૪ નમૂના પૈકી હજુ માત્ર ૨૩ નમૂનાનાં જ પરિણામ આવ્યાં છે. એટલે કે હજુ ૭૧ નમૂનાનાં પરિણામ આવ્યાં નથી.

You might also like