નેશનલ હેરાલ્ડ કેસ ખરેખર શું છે?

– જવાહરલાલ નહેરુએ ૧૯૩૮માં કોંગ્રેસના મુખપત્ર તરીકે લખનૌમાંથી નેશનલ હેરાલ્ડ નામના અખબારની શરૂઆત કરી હતી. ૨૦૦૮માં આ અખબાર પર ૯૦ કરોડનું કરજ થઈ જતા બંધ કરી દેવામાં આવ્યું હતું. એ વખતે અખબારના માલિકી હક્ક એસોસિયેટેડ જર્નલ્સ પાસે હતા.
– ત્યાર બાદ કોંગ્રેસની ટોચની નીતાગીરીએ રૂ. પાંચ લાખથી ૨૩ નવેમ્બર ૨૦૧૦ના રોજ યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ નામની એક નવી નોટ ફોર પ્રોફિટ કંપની બનાવી જેમાં સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી સહિત મોતીલાલ વોરા, સુમન દુબે, ઓસ્કાર ફર્નાન્ડિસ અને સેમ પિત્રોડાને ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.
– યંગ ઈન્ડિયન પ્રાઈવેલ લિમિટેડમાં સોનિયા અને રાહુલના ૩૮-૩૮ ટકા શેર હતા જ્યારે બાકીના ૨૪ ટકા શેર કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસ પાસે હતા.
– કોંગ્રેસે યંગ ઈન્ડિયનને વગર વ્યાજની રૂ. ૯૦ કરોડની લોન આપી હતી અને ત્યાર બાદ આ કંપનીએ એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડનું ટેક ઓવર કરી દીધું હતું.
– દરમિયાન નવેમ્બર ૨૦૧૨માં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કેસ દાખલ કરીને સોનિયા સહિત કોંગ્રેસ પક્ષના નેતાઓ સામે છેતરપિંડીનો આરોપ લગાવીને જણાવ્યું હતું કે કોંગ્રેસે રાજકીય ભંડોળનો દુરુપયોગ કરીને યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડે માત્ર ૫૦ લાખ રૂપિયામાં ૯૦.૨૫ કરોડ વસૂલવાની યોજના કરી જે નિયમોની વિરુદ્ધ છે.
– કોંગ્રેસે નેશનલ હેરાલ્ડની દેશભરમાં રૂ. ૨૦૦૦ કરોડની પ્રોપર્ટી હડપ કરવાના મકસદથી આવું કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
– એવું પ્રતિપાદિત થાય છે કે એસોસિયેટ જર્નલ્સની રૂ. ૨૦૦૦ કરોડની પ્રોપર્ટીનો કંટ્રોલ મેળવવાના મકસદથી યંગ ઈન્ડિયન કંપની સ્થાપવામાં આવી હતી. એવું જણાય છે કે પબ્લિક મનની પર્સનલ મની બનાવવા માટે આવું કરવામાં આવ્યું હતું.
– દિલ્હીની કોર્ટે આ કેસમાં ચાર સાક્ષીઓનાં નિવેદનો નોંધીને ૨૬ જૂન ૨૦૧૪ના રોજ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત નવી કંપનીમાં ડાયરેક્ટર બનાવવામાં આવેલા સેમ પિત્રોડા, સુમન દૂબે, ઓસ્કાર ફર્નાન્ડિસ અને મોતીલાલ વોરાને હાજર થવા સમન્સ મોકલ્યા હતા.
– ત્યાર બાદ કોર્ટે યંગ ઈન્ડિયાના તમામ ડાયરેક્ટરને ૭ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો હતો. કોંગ્રેસે તેની સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

You might also like