તમિળનાડુના દરિયાકાંઠે ૪૫ વ્હેલનાં ભેદી મોત બાદ ચકચાર

તુતિકોરીન/ચેન્નાઈ : તમિળનાડુમાં તિરુચેન્દુરના દરિયાકાંઠે તણાઈ આવેલી નાની વ્હેલ માછલીઓમાંથી ૪૫ના મોત થયા હતા. જ્યારે બાકીની વ્હેલને દરિયામાં પાછી મોકલવામાં બચાવકર્મીઓ સફળ થયા હતા. ચેન્નાઈથી લઈને તમિળનાડુના ૬૦૦ કિ.મી.ના દરિયાકિનારાના વિસ્તારમાં ગઈ રાતથી આ વ્હેલ માછલીઓ તણાઈને આવવા લાગી હતી. લગભગ ૧૨૦ વ્હેલ તણાઈને દરિયાકિનારા પરઆવી હતી.આ માછલીઓને બચાવવા માટે તમિળનાડુ મત્સ્ય, વન અને વહીવટીતંત્રની સંયુક્ત બચાવ ટુકડી કામે લાગી હતી.

સ્થાનિક માછીમારોને પણ બચાવ કામગીરીમાં સામેલ કરાયા હતા. દરેક વ્હેલ ૧થી દોઢ ટન વજનની અને ૮થી ૧૦ ફૂટ લાંબી હતી. આ માછલીઓ ઓટ દરમ્યાન દરિયાકિનારે તણાઈ આવી હતી અને ભરતીને લીધે ઊંડા સમુદ્રમાં પાછી જઈ શકી નહોતી. બચાવ કામગીરીમાં ૧૦ માછીમારી બોટ અને એક યાંત્રિક બોટને કામે લગાડવામાં આવી હતી. તે એક ફેરામાં એક વ્હેલને ઊંડા દરિયામાં પાછી નાખી આવતી હતી. તુતિકોરીન જિલ્લા કલેક્ટર એમ રવિકુમારે દરિયાકિનારાની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં વ્હેલ માછલીઓ કિનારે કયા કારણથી આવી ગઈ તેની અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

ઝુઓલોજિકલ સવ્રે ઓફ ઈન્ડિયાના પૂર્વ નિયામક કે. વેંકટરમણે જણાવ્યું હતું કે વ્હેલ અને ડોલ્ફિન જેવા દરિયાઈ જીવ સામાજિક હોય છે અને તે હંમેશા જૂથમાં જ રહે છે. પાણીમાં સહેજ પણ હલચલથી તેની મુખ્ય માછલી ભટકી જાય તો બધી માછલી ભટકી જાય છે. તે તેનો નિયમિત રસ્તો છોડીને કિનારા તરફ આવી જાય છે જેને લીધે તેનું મોત પણ થાય છે. તેમણે ઉમેર્યું કે હળવા ભૂકંપ અને ભરતી-ઓટ જેવી ઘટનાઓથી આ માછલીઓ તેના મૂળ રસ્તેથી ભટકી જાય છે.

ગઈકાલે ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા આવ્યા હતા તેને લીધે તે માર્ગ ભૂલી ગઈ હોય તેવું બની શકે. કુલસેકરપટ્ટિનમના ડીટ્ટો મસ્કરેન્સે જણાવ્યું હતું કે સ્થાનિક માછીમારોેએ તકેદારી ન રાખી હોત તો ઘણી વ્હેલ મૃત્યુ પામી હોત.તેમણે આખી રાત ચલાવેલી બચાવ કામગીરીમાં વ્હેલને દરિયાના ઊંડા પાણીમાં પહોંચાડી હતી.

You might also like