પશ્ચિમ ઝોનમાં આખરે ચતુઃવર્ષીય આકારણીની કામગીરી હાથ ધરાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં રહેણાક અને બિનરહેણાક મિલકતોની ચતુઃવર્ષીય આકારણીની કામગીરી હાથ ધરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. કાર્પેટ એરિયા બેઇઝ નવી ફોર્મ્યુલા મુજબની આ આકારણીમાં ફક્ત જૂની હદના મિલકતધારકોને આવરી લેશે, જોકે તંત્ર પશ્ચિમ ઝોનની આકારણીના મામલે પૂર્વ નિર્ધારિત શેડ્યૂલથી લગભગ મહિના-દોઢ મહિનાના વિલંબથી ચાલી રહ્યું હોઇ આ બાબતે જાણકાર વર્તુળોમાં ચર્ચા જગાડી છે.
પૂર્વ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રાના કાર્યકાળમાં તંત્ર પ્રોપર્ટી ટેક્સમાં ‘સેલ્ફ એસેસમેન્ટ’ની જાહેરાત કરી હતી. દેશના બેંગલુરુ જેવાં મેટ્રો શહેરના નાગરિકો પોતાની રહેણાક કે બિનરહેણાક મિલકતોની જાતે આકારણી કરીને પોતાની મિલકતનો પ્રોપર્ટી ટેક્સ નક્કી કરે છે. આ સેલ્ફ એસેસમેન્ટ હેઠળના પ્રોપર્ટી ટેક્સની તંત્ર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરીને ટેક્સ બિલની ચકાસણી હાથ ધરાય છે. જો તેમાં કોઇ કરદાતાની ચોરી પકડાય તો તેની પાસેથી આકરી પેનલ્ટી વસૂલાય છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ‘સેલ્ફ એસેસમેન્ટ’નો અભ્યાસ કરવા અધિકારીઓને બેંગલુરુ મોકલાયા હતા. સેલ્ફ એસેસમેન્ટ માટે ખાસ અધિકારી નિયુક્ત કર્યા હતા, પરંતુ છેવટે તંત્ર પાણીમાં બેસી ગયું હતું.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ સેલ્ફ એસેસમેન્ટમાં પીછેહઠ બાદ હવે આ પ્રયોગ કરવાની કોઇ હિંમત દાખવતા નથી, પરંતુ દર ચાર વર્ષે હાથ ધરાતી ચતુઃવર્ષીય આકારણીના મામલે પણ તંત્ર ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં ઉલ્લેખનીય કામગીરી કરી શકયા નથી. પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં સ્ટાફની અછત હોઇ આ વર્ષે પાંચ ઝોન પૈકી મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોનમાં આકારણી કરવાનો નિર્ણય લીધો. ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનની આકારણી પડતી મુકાઇ. જ્યારે સૌથી મોટા નવા પશ્ચિમ ઝોનમાં ગત વર્ષે આકારણી થઇ ચૂકી હોઇ તેનો પ્રશ્ન ઊઠતો ન હતો.

પશ્ચિમ ઝોનના કરદાતાઓ માટે નવી આકારણી આધારિત નવા પ્રોપર્ટી ટેક્સનાં બિલ તો આગામી નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ ઝોનમાં કુલ ર.૪૦ લાખ રહેણાક મિલકત અને ૭ર હજાર બિનરહેણાક મિલકત છે. પશ્ચિમ ઝોનની કુલ ૩.૧ર લાખ મિલકતો માટે ચાલુ વર્ષે રૂ.રર૦ કરોડની આવકનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.
http://sambhaavnews.com/

You might also like