પશ્ચિમ ઝોનની ૨૯૨ પૈકી ૧૮૪ બેન્કમાં જ જૂની નોટો બદલી અપાતી હતી

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત તા.૮ નવેમ્બરની રાત્રે રૂ.પ૦૦ અને ૧૦૦૦ની જૂની નોટને ચલણમાંથી દૂર કરતાંની સાથે કાળું નાણું ધરાવતા લોકો ફફડી ઊઠ્યા છે. વડા પ્રધાનની કાળાં નાણાં સામેની આર્થિક સ‌િર્જકલ સ્ટ્રાઇકને પ્રજાએ પણ મોકળા મને આવકારી છે. તેમ છતાં જૂની નોટની બદલીના મામલે આજે પણ કકળાટ જોવા મળે છે. ખુદ મ્યુનિ. ટેક્સ વિભાગને બેન્ક અને પોસ્ટ ઓફિસની બ્રાંચમાં કરન્સી એક્સચેન્જની સુવિધાનો અભાવ જણાઇ આવ્યો છે.

શહેરની બેન્ક અને પોસ્ટ ઓફિસની બહાર લાંબી લાઇનમાં ઊભા રહેતા નાગરિકોને જે તે બેન્કની કે પોસ્ટ ઓફિસની બ્રાંચમાંથી સરળતાથી નાણાં ઉપલબ્ધ થાય છે કે કેમ તેની જાત માહિતી મેળવવા કમિશનર મૂકેશકુમારે આ માટે ટેક્સ વિભાગની વિશેષ ટીમનું ગઠન કરીને પાછલા બે દિવસ આ અંગે સ્થળ તપાસ કરાવી હતી.

કમિશનર મૂકેશકુમારના આદેશના પગલે ગત તા.ર૦ નવેમ્બર, રવિવારે શહેરનાં તમામ એટીએમ સેન્ટર તેમજ ગઇ કાલે શહેરની તમામ બેન્ક અને પોસ્ટ ઓફિસ બ્રાંચમાં ઉપલબ્ધ કરન્સીનું ચેકિંગ કરાયું હતું. મધ્ય ઝોનમાં ટેક્સ વિભાગની ટીમે રવિવારે મધ્ય ઝોનના ૧૪૦ એટીએમનું જ્યારે સોમવારે ૧૧૬થી વધુ બેન્ક અને પોસ્ટ ઓફિસ બ્રાંચનું ચેકિંગ કર્યું હતું, જેમાં એટીએમમાં રોકડ નાણાંનો અભાવ તેમજ બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જૂની નોટના એક્સચેન્જનાં ધાંધિયાં જોવા મળ્યા હતા.

આ જ પ્રકારે પશ્ચિમ ઝોનમાં ચેકિંગ દરમ્યાન જણાઇ આવ્યું હતું કે પશ્ચિમ ઝોનની ર૯ર બેન્ક અને ૧૯ પોસ્ટ ઓફિસ પૈકી ફક્ત ૧૮૪ બેન્ક અને ૧૦ પોસ્ટ ઓફિસમાં નાગરિકોને એક્સચેન્જની સુવિધા મળતી હતી. નાણાં ઉપાડવાના મામલે પણ ફક્ત ર૪૦ બેન્ક અને ૧૪ પોસ્ટ ઓફિસ શહેરીજનોને રાહતરૂપ બની હતી. નાણાં જમા કરાવવા અંગે પણ નવ બેન્ક અને એક પોસ્ટ ઓફિસથી લોકોને નિરાશ થવું પડ્યું હતું.

નવા પશ્ચિમ ઝોનમાં ૩પ ટેક્સ કર્મચારીઓ સહિત સમગ્ર ટેક્સ વિભાગના આશરે ૧પ૦ કર્મચારીઓના સ્ટાફે ગઇ કાલે દિવસભર શહેરભરની બેન્ક અને પોસ્ટ ઓફિસનું ચેકિંગ કરતાં આજે પણ બેન્ક-પોસ્ટ ઓફિસમાં નાગરિકો જૂની નોટ બદલવામાં મુશ્કેલી અનુભવતા હોવાનું બહાર આવ્યું છે, જોકે કોર્પોરેશનનું આ ચેકિંગ ફક્ત બે દિવસ પૂરતું જ હતું.
visit : www.sambhaavnews.com

You might also like