વેસ્ટ આઇટમના કૉન્સેપ્ટ પર બનતાં કૅફે

કૅફે બિઝનેસ દિવસે ને દિવસે વિકસી રહ્યો છે. સ્પર્ધાના આ વ્યવસાયમાં ટકી રહેવા માટે કૅફેમાલિકો પોતાનાં કૅફેને અલગ દેખાવ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વેસ્ટ આઇટમનું બેસ્ટ ક્રિએશન કરીને કૅફે ડિઝાઇન કરવાનો કૉન્સેપ્ટ ફૂલ્યોફાલ્યો છે. જે બજેટમાં તો સસ્તું પડે જ છે. સાથે કૅફેનો દેખાવ આકર્ષક લાગે છે. સાથે જ આવનાર લોકોને પણ કોઇક અલગ જગ્યાએ આવ્યા હોવાનો અહેસાસ થાય છે.

કૅફેને ડિઝાઇન કરવા માટે ઇસ્ત્રી, વિવિધ વાહનોના સ્પેરપાર્ટ્સ, જૂની એન્ટિક વસ્તુઓ અને આર્ટ પીસનો સહારો આજકાલ કૅફે ઓનર્સ લઇ રહ્યા છે. જે સસ્તા ભાવે કબાડી માર્કેટ કે જૂની વસ્તુઓના વેપારીઓ પાસેથી મળી રહે છે. તેની ખરીદી કર્યા બાદ તેને કૅફેના ઇન્ટીરિયર સાથે મેચ કરવા માટે એક્સપર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે કે જેનાથી કૅફેનો દેખાવ અલગ લાગે.

એન્ટિક સ્કૂટર, ખાટલા, ફાનસ જેવા વૈવિધ્યસભર એલિમેન્ટ્સનો ઉપયોગ કરીને કૅફે તૈયાર કરવાનો કૉન્સેપ્ટ વિકસી રહ્યો છે. ત્યારે જૂની વસ્તુઓને રિયુઝ કરીને કૅફે ડિઝાઇન કરતા ડિઝાઇનર પરાગ કંસારા કહે છે કે, “હાલ જૂની વસ્તુઓને રિયુઝ કરવાનો કૉન્સેપ્ટ ખૂબ જ વિકાસ પામ્યો છે. જેવી સજાવટ તેવું જ મેનુકાર્ડ પણ રાખવામાં આવે છે. દેખાવમાં થોડંુ જૂનું હોય પણ લાઇટ્સ અને કલર ઇફેક્ટથી તેને એકદમ હટકે લુક અમે આપતા હોઇએ છીએ. મારી સાથે કેટલાક સેપ્ટના વિદ્યાર્થીઓનું ગ્રૂપ છે. જેમની મદદથી અમે આવાં કૅફે તૈયાર કરીએ છીએ. પહેલાં અમે જગ્યા જોઇએ છીએ. ત્યારબાદ ઓનરનું બજેટ પૂછી અને થીમ પ્રમાણે કૅફે તૈયાર કરી આપીએ છીએ.”

શહેરના એક જાણીતા કૅફેમાં આવી જ વસ્તુઓનો રિયુઝ કરીને કૅફે ડિઝાઇન કરનાર ઓનર હેમલ કડિયા કહે છે કે, “હું ઘણા લાંબા સમયથી મારા કૅફેને નવો ઓપ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હાલમાં મેં ગરાજ થીમ પર બનાવેલું ઇન્ટીરિયર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. તેને બનાવવામાં અમને ૩ મહિનાનો સમય લાગ્યો હતો.”

તો શહેરના જાણીતા કૅફેના માલિક નિશાંત દવે કહે છે કે, “મને નાનપણથી જ એન્ટિક વસ્તુઓનો ખૂબ શોખ હતો. આથી જ્યારે મેં કૅફેનું ઇન્ટીરિયર બનાવવાનો વિચાર કર્યો ત્યારે મેં એન્ટિક થીમ વિચારી. એન્ટિક વસ્તુઓ ભેગી કરતા મને છ મહિના લાગ્યા. જેની પાછળ સારો એવો ખર્ચ પણ થયો. પણ આજે જ્યારે લોકો મારા કૅફેની થીમને વખાણે છે ત્યારે મારા પૈસા વસૂલ થયા તેમ મને લાગે છે.” ઓછા બજેટમાં યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે ત્યારે વેસ્ટ આઇટમનો રિયુઝ કરીને તૈયાર થતાં કેફે યુવાનોની નવી વિચારધારાનું જ એક પરિણામ છે.

કૃપા મહેતા

You might also like