વિન્ડીઝે ખડક્યા ૩૫૬ રન: ૨૫૮ રન બનાવીને પણ જીત્યું ઈંગ્લેન્ડ

લંડનઃ એવિન લૂઇસ (અણનમ ૧૭૬ રન)ની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી વિન્ડીઝે ચોથી વન ડેમાં ઈંગ્લેન્ડ સામે જીતવા માટે ૩૫૭ રનનું પહાડ જેવું લક્ષ્ય મૂક્યું હતું, પરંતુ વરસાદને કારણે મેચ રોકવાની ફરજ પડી ત્યારે ઈંગ્લેન્ડે ૩૫.૧ ઓવરમાં પાંચ વિકેટે ૨૫૮ રન બનાવી લીધા હતા. ત્યારબાદ વરસાદને કારણે મેચ ફરીથી શરૂ જ નહોતી થઈ. ડકવર્થ-લૂઇસના નિયમ પ્રમાણે આ સમયે ઈંગ્લેન્ડ ૬ રનથી આગળ હોવાથી તેણે આ મેચ ૬ રને જીતી લીધી હતી. એવિન લૂઇસને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. અંગ્રેજ બોલરોએ કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કરતાં એક સમયે વિન્ડીઝના ત્રણ બેટ્સમેનોને કુલ ૩૩ રનના સ્કોર પર જ પેવેલિયનમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ એવિન લૂઇસે રિયાયર્ડ હર્ટ થતાં પહેલાં ૧૩૦ બોલમાં ૧૭ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી ૧૭૬ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. લેવિસને ૪૭મી ઓવરમાં જેક બોલની બોલિંગમાં પગમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને સ્ટ્રેચર પર લઈ મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. લૂઇસની ઇનિંગ્સ કોઈ પણ વિન્ડીઝ બેટ્સમેન દ્વારા બનાવાયેલો ચોથા નંબરનો સર્વોચ્ચ વન ડે સ્કોર છે. આ સાથે આ સ્કોર કોઈ પણ ફોર્મેટમાં રિટાયર્ડ હર્ટ થનારા બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર છે. પાછલો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ચાર્લ્સ બેનરમેન (અણનમ ૧૬૫)ના નામે હતો, જેણે વર્ષ ૧૮૭૭માં એમસીજીમાં રમાયેલી સૌપ્રથમ ટેસ્ટમાં બનાવ્યો હતો.
એવિન લૂઇસને જેસન મોહંમદ (૪૬) અને કેપ્ટન જેસન હોલ્ડર (૭૭)નો સુંદર સાથ સાંપડ્યો હતો. પોવેલે ૨૮ રન બનાવીને અણનમ રહ્યો હતો. વિન્ડીઝે અંતિમ ૧૧ ઓવરમાં ૧૪૪ રન ઝૂડી કાઢ્યા હતા.

૩૫૭ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલ અંગ્રેજ બેટ્સમેનોએ પણ તોફાની શરૂઆત કરી હતી. જેસન રોય અને બેરિસ્ટોની જોડીએ ૧૭.૪ ઓવરમાં જ ૧૨૬ રન બનાવી લીધા હતા. આ જ સ્કોર ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ જેસન રોયના રૂપમાં પડી હતી. રોયે ૬૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૮૪ રન બનાવ્યા હતા, જ્યારે બેરિસ્ટો ૩૯ રન બનાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડનો કેપ્ટન જોએ રૂટ (૧૪) અને ઇઓન મોર્ગન (૧૯) બહુ મોટો સ્કોર નોંધાવી શક્યા નહોતા, પરંતુ પાંચમા ક્રમે બેટિંગમાં આવેલા જોસ બટલરે ૩૫ બોલમાં પાંચ ચોગ્ગા સાથે અણનમ ૪૩ રનનું યોગદાન આપ્યું હતું. મોઇન અલીએ ફરી એક વાર ઈંગ્લેન્ડ માટે મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને ફક્ત ૨૫ બોલમાં છ ચોગ્ગા અને બે ચોગ્ગા સાથે અણનમ ૪૮ રન ફટકારી હતી.

આમ, ૩૫.૧ ઓવરમાં ઈંગ્લેન્ડે જ્યારે પાંચ વિકેટે ૨૫૮ રન બનાવ્યા હતા ત્યારે જ વરસાદ શરૂ થયો હતો, જેને કારણે મેચ ફરીથી શરૂ થઈ શકી નહોતી. ડક્વર્થ-લૂઇસ નિયમ પ્રમાણે મેચ રોકાઈ ત્યારે ઈંગ્લેન્ડ જરૂરી રન કરતાં છ રને આગળ હતું. તેથી ઈંગ્લેન્ડે ચોથી વન ડે ૬ રને જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની પાંચેય વિકેટ વિન્ડીઝના અલઝારી જોસેફે ઝડપી હતી.

You might also like