બાંગ્લાદેશ ૪૩ રનમાં સમેટાયુંઃ વેસ્ટ ઇન્ડીઝના બે વિકેટે ૨૦૧

એન્ટીગાઃ બાંગ્લાદેશની ટીમ વિન્ડીઝ સામે ગઈ કાલે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ફક્ત ૧૮.૪ ઓવરમાં ૪૩ રનના કંગાળ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટેસ્ટ ફોર્મેટમાં બાંગ્લાદેશનો સૌથી ન્યૂનતમ સ્કોર છે. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે સૌથી વધુ ૨૫ રન બનાવ્યા હતા.

દાસ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા નહોતા. ચાર બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. વિન્ડીઝના ફાસ્ટ બોલર કેમર રોચે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. તેનું બોલિંગ વિશ્લેષણ ૫-૧-૮-૫ રહ્યું હતું. કમિન્સે ત્રણ અને હોલ્ડરે બે વિકેટ ઝડપી હતી.

ત્યાર બાદ બેટિંગમાં આવેલા વિન્ડીઝે મજબૂત શરૂઆત કરી હતી અને તેના ઓપનરો ક્રેગ બ્રાથવેઇટ અને ડીવોન સ્મિથે પ્રથમ વિકેટની ભાગીદારીમાં ૧૧૩ રન ઉમેર્યા હતા. આ સ્કોર પર સ્મિથ ૫૮ રન બનાવીને અબુ ઝાયેદની બોલિંગમાં આઉટ થયો હતો.

ત્યાર બાદ કિરોન પોવેલ ૪૮ રન બનાવીને મહંમદુલ્લાહનો શિકાર બન્યો હતો. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે બ્રાથવેઇટ ૮૮ રને અને નાઇટ વોચમેન બિશૂ એક રને અણનમ રહ્યા હતો. વિન્ડીઝે અત્યાર સુધીમાં ૧૫૮ રનની સરસાઈ હાંસલ કરી લીધી છે.

You might also like