દિગ્ગજ ખેલાડીઓની વાપસી થતાં વિન્ડીઝ ટીમના સારા દિવસો

જમૈકાઃ ટૂંક સમયમાં કેરેબિયન ટીમના દિવસો ફરી જવાના છે, કારણ કે તેની ટીમમાં બધા મોટા ખેલાડીઓ પાછા ફરવાના છે. વિન્ડીઝ ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ વચ્ચેના વિવાદનો હવે અંત આવી ગયો છે.

વેસ્ટ ઇન્ડીઝ પ્લેયર્સ યુનિયન (વીપા) દ્વારા સામૂહિક રીતે માફી માગી લીધા બાદ કિરોન પોલાર્ડ, સુનીલ નરૈન, ડ્વેન બ્રાવો અને ક્રિસ ગેલ જેવાં મોટાં નામ વન ડે ક્રિકેટમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. ફક્ત ડેરેન બ્રાવો સાથેનો ગતિરોધ છે એટલે કે બધા ખેલાડી ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી માટે ઉપલબ્ધ રહી શકે છે.

વિન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે કહ્યું, ”સ્થિતિ ઝડપથી સુધરી રહી છે અને ૨૦૧૯ વિશ્વકપમાં રમવા માટે વિન્ડીઝે ક્વોલિફાય કરવાનું બાકી છે. એ હજુ અમારા દિલમાં સળગતી ઇચ્છા છે. પ્રશંસકો મને ફરીથી વિન્ડીઝ સામે રમતો જોવા ઇચ્છે છે. આશા રાખું છું કે સ્થિતિ સાવ સામાન્ય થઈ જશે. હું નિશ્ચિત રીતે ૨૦૧૯ના વિશ્વકપમાં રમવા માગું છું. ખેલાડીઓ અને બોર્ડ વચ્ચેના સંબંધો વે ઝડપથી સુધરવા લાગ્યા છે.

આ સમજૂતી એટલા માટે થઈ શકી, કારણ કે વિન્ડીઝ ક્રિકેટ બોર્ડ અગાઉ મક્કમ હતું કે રાષ્ટ્રીય ક્રિકેટર્સને ઘરેલુ ક્રિકેટ મેચમાં રમવું પડશે, પરંતુ હવે એ નિયમને બોર્ડે બાજુએ હડસેલી દીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી ઓક્ટોબરમાં જ્યારે કોન્ટ્રાક્ટનું નવું ફોર્મેટ રજૂ કરાશે ત્યારે આ નિયમોને ઔપચારિકરૂપે ખતમ કરી દેવામાં આવશે. વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે પણ ખેલાડીઓએ માગેલી સામૂહિક માફીને મંજૂરી આપી દીધી છે.
http://sambhaavnews.com/

You might also like