રોજે રોજ વિકરાળ બનતા આ કચરાના પહાડનો તોડ મ્યુનિ.ને મળતો નથી!

અમદાવાદ: શહેરની પીરાણા સ્થિત ૪પ એકર જમીનમાં ડમ્પિંગ સાઈટની ઊંચાઇ ૭પ ફૂટથી પણ વધુની છે. અમદાવાદમાં દરરોજ ૪પ૦૦ મેટ્રિક ટન કચરો નીકળે છે. આની સામે માંંડ ૧૧૦૦ મેટ્રિક ટન કચરો પ્રોસેસ થાય છે. પીરાણાની ડમ્પિંગ સાઈટથી નીકળતા મિથેન ગેસથી વાસણા સુધીના લોકો પરેશાન થઇ રહ્યા છે. આ ડમ્પિંગ સાઈટ પર સસ્તી અને નવી ટેકનોલોજી સાથે કેપિંગ કરવાની દિશામાં મ્યુનિ. શાસકોએ ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.

મ્યુનિ. સત્તાવાળાઓ પીરાણાના કચરામાંથી વીજળી અને ખાતર ઉત્પન્ન કરવા માટે સાત કંપની સાથે એમઓયુ કરાયા હતા. હાલમાં બે કંપની સાથે વીજળી ઉત્પન્ન કરવાના એમઓયુ થયા છે. આ કંપનીઓ સાથે ૧પથી ૩૦ વર્ષના કરાર કરીને કુલ ૭.પ૦ લાખ વાર જગ્યા ફાળવાઇ છે. જોકે બે કંપનીને બ્લેક લિસ્ટ કરવી પડી છે. તેમજ કોઇપણ કંપનીને કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં સફળતા મળી નથી. આ સંજોગોમાં સ્થાનિક રહેવાસીઓએ હાલની ડમ્પ સાઇટને બે મહિનામાં ખસેડવાની માગણી કરીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેમ કોંગ્રેસના પૂર્વ નેતા બદરુદ્દીન શેખ કહે છે.

બીજી તરફ પીરાણા ડમ્પિંગ સાઈટ પર કેપિંગ કરવાના મામલે એક એક વર્ષ સુધી તંત્ર ગડમથલમાં રહ્યું છે. ગુજરાત પ્રદૂષણ ‌બોર્ડે પણ મિથેન ગેસના કારણે કેપિંગ સામે વાંધો ઉઠાવ્યો છે. એટલે સત્તાવાળાઓ નવી ટેકનોલોજીયુકત કેપિંગની પદ્ધતિ અજમાવવાની વિચારણા હાથ ધરી છે.અગાઉ સત્તાવાળાઓએ કેપિંગ માટેની કવાયત હાથ ધરી હતી. જેમાં કેપિંગ કરીને ત્યાં બગીચો બનાવવાના પ્રોજેકટ અંગે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં રૂ.૧પ૦થી ર૦૦ કરોડનો ખર્ચ થવાનો હતો. જોકે હવે શાસકો સસ્તી અને નવી ટેકનોલોજી અપનાવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ કહે છે કે કેપિંગની જગ્યાએ બગીચો બનાવવાની જરૂર લાગતી નથી. એટલે કેપિંગની સસ્તી અને નવી ટેકનોલોજીના બે ત્રણ આયોજન વિચારણા હેઠળ છે. જેમાં ધુમાડા સાથે નીકળતા મિથેન ગેસને પાઇપલાઇનથી સલામત રીતે એકત્રિત કરાશે, બીજી તરફ હાલની ડમ્પ સાઇટના સ્થળાંતર માટે શાસકો તૈયાર નથી.

શાસકો કહે છે કે કચરામાંથી વીજળી પેદા કરવાના પ્રોજેકટને કેન્દ્રના સ્વચ્છ ભારત મિશન હેઠળ હવે સફળતા મળશે. અમે આવા વધુને વધુ પ્રોજેકટને અમલમાં મૂકીને પીરાણામાં કચરાના ડુંગર બનતા અટકાવીશું. આની સાથે સાથે કેપિંગ પ્રોજેકટને મુંબઇ સહિતના દેશના અન્ય શહેરોમાં નિષ્ફળતા મળી હોઇ બાયો માઇનિંગ પદ્ધતિ અપનાવવાની કોંગ્રેસની માગને પણ ભાજપના શાસકોએ અવાસ્તવિક ગણાવીને ફગાવી દીધી છે.

You might also like