પશ્ચિમ, મધ્ય ઝોનના હજારો લોકો પર પાણીજન્ય રોગચાળાનો ખતરો

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને સમગ્ર તમામે તમામ છ ઝોનના હાઈ રિસ્ક વિસ્તારોની જાહેરાત કરાઈ છે. જેમાં પશ્ચિમ ઝોનના ૨૨ વિસ્તાર, નવા પશ્ચિમ ઝોનના ૨૪ વિસ્તાર અને મધ્યઝોનના ચાર વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોના રહેવાસીઓએ ચોમાસા દરમિયાન કમળો, ઝાડા ઊલટી, કોલેરા, ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગચાળા સામે વિશેષ સાવધાની રાખવી પડશે.
શહેરમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો વધી છે.

હેલ્થ અને ઈજનેર વિભાગની આપસી ટાંટિયા ખેંચથી પીવાનાં પાણીમાં ગટરનાં પાણી ભળી રહ્યાં છે. જેના કારણે છેલ્લા ચાર મહિનામાં કોલેરાના ૪૦ કેસ નોંધાયા છે. જે પૈકીના કોલેરાના ૨૦ કેસ તો છેલ્લા એક મહિનાથી નોંધાયા છે.
ગત વર્ષના ઉનાળાની સરખામણીએ આ ઉનાળામાં પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે. ગત તા. ૧ મેથી તા.૨૧ મે સુધીમાં ઝાડા ઊલટીના ૧૦૧૯ કેસ, કમળાના ૨૧૩ કેસ અને ટાઈફોઈડના ૨૫૧ કેસ નોંધાતાં અમદાવાદીઓમાં ભય પ્રસરી ગયો છે. દરમિયાન તંત્ર દ્વારા પાણીજન્ય રોગચાળાના હાઈ રિસ્ક વિસ્તારોની ઝોનવાઈઝ યાદી જાહેર કરાઈ છે. જેમાં આશ્ચર્યજનક રીતે જુના વોર્ડ પ્રમાણે હાઈરિસ્ક વિસ્તારોનો ઉલ્લેખ કરાય છે.

You might also like