પશ્ચિમ બંગાળ,ઝારખંડ, યુપી, બિહાર અને ઉત્તરાખંડમાં ફરી આંધી- તોફાનનો ખતરો

નવી દિલ્હી: યુપી અને બિહાર ઉપરથી હજી પણ તોફાનનું સંકટ દૂર નથી થયું. હવામાન ખાતાએ યુપી, ગંગટોક, પશ્ચિમી બંગાળ અને ઝારખંડમાં આંધી- તોફાની આશંકા દર્શાવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગઈ કાલે આ વિસ્તારો સિવાય ઉત્તરાખંડ, બિહાર અને ઓડીશામાં પણ તોફાનનો ખતરો છે.

સોમવાર તથા મંગળવારે યુપી, બિહારમાં તોફાને મોટા પાયે નુકસાન વેર્યું છે. મે મહિનામાં આવેલા તોફાને ઉત્તર ભારત સહિત દેશનાં અનેક રાજયોને ઘમરોળી નાખ્યાં હતાં. તેવામાં હવામાન ખાતાની આશંકા ફરી એકવાર લોકોની સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરે છે. જયારે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન ખાતાએ આગાહી કરી છે કે પશ્ચિમી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં લૂ અને ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. કોસ્ટલ કર્ણાટક, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની શકયતા દર્શાવી છે. બીજી તરફ દક્ષીણી- પશ્ચિમી ચોમાસું પણ મંગળવારે કેરળ અને તામિલનાડુ પહોંચી ગયું છે. હવામાન ખાતાએ થોડા દિવસોમાં ભારે વરસાદની આગાહી કરે છે.

ગઈ કાલે કેરળના મેંગલુરુમાં ભારે વરસાદ પણ પડ્યો હતો. દિલ્હીમાં પણ ધૂળ ભરી આંધી સાથે હળવા વરસાદનું અનુમાન પણ હવામાન ખાતાએ કર્યું છે. હવામાન ખાતાના અધિકારી મુજબ આકાશમાં આંશિકરૂપે વાદળ છવાયેલ રહેશે. દિવસ દરમિયાન ભારે પવન સાથે હળવો વરસાદ પણ પડશે. જયારે ગુરુતમ તાપમાન ૪૦ ડિગ્રી રહેશે.

મેઘરાજાએ ત્રીજા દિવસે પણ સવારી આગળ વધારી
હજુ જૂન મહિનાનો આરંભ નથી થયો ત્યાં નૈઋત્યના ચોમાસું પવનોએ ધરતીને ભીંજવવાની શરૂઆત કરી દીધી છે. ચોમાસાના છડીદાર કેરળમાં એક અઠવાડિયા વહેલું આગમન કરી ચૂકેલા મેઘરાજાએ સળંગ ત્રીજા દિવસે પણ સવારી આગળ વધારી હતી.

મંગળવારે કર્ણાટકના તટિય વિસ્તારથી બેંગલુુરુ સુધી વરસાદ પડ્યા પછી બુધવારે મોડી રાત્રે મેંગલોર, ગોવા, સાવંતવાડી, રત્નાગીરી જેવા કોંકણ કાંઠે મેઘમહેર વરસી હતી.

અરબી સમુદ્રમાં ૧૨ કિલોમીટર દૂર હજુ પણ લો-પ્રેશર સિસ્ટમ કાર્યરત છે એ જોતાં ગુજરાતમાં પણ ધારણા કરતાં વહેલો વરસાદ પડી શકે છે.ઉલ્લેખનીય છે કે, બુધવારે મોડી રાત્રે અમદાવાદના હવામાનમાં પણ અચાનક પલટો આવેલો અનુભવાતો હતો.

લહાય લગાડતા પવનમાં અચાનક ઠંડક વધી હતી અને દિશા પણ બદલાઈ હતી. એ જોતાં કોંકણ પછી મુંબઇ અને ગુજરાતમાં પણ શુક્રવાર સુધીમાં વાજતે ગાજતે મેઘસવારીનું આગમન થઈ શકે છે.

You might also like