વરસાદે હવે પશ્ચિમ બંગાળનો વારો કાઢ્યોઃ ૧૬ લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશનાં વિવિધ રાજ્યમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે પ. બંગાળમાં મુશળધાર વરસાદથી કુલ ૧૬ લોકોનાં મોત થયાં છે. આ તમામના વીજળી પડવાથી, ડૂબી જવાથી તેમજ દીવાલ પડી જવાની વિવિધ ઘટનામાં મોત થયા છે. જ્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન થતાં બદરીનાથ હાઈવે બંધ થઈ ગયો છે, જેના કારણે આ વિસ્તારમાં હાલ અનેક લોકો માર્ગમાં જ ફસાઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી છે કે રાજસ્થાનમાં હજુ પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.

સતત અને ભારે વરસાદથી પ. બંગાળના વિવિધ જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં પ. મીદનાપુર જિલ્લામાં વહીવટીતંત્રએ ભારતીય વાયુસેના પાસે રાહત અભિયાન માટે મદદ માગી છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું કે નાગરિકોને બચાવવા માટે બરાકપુર વાયુસેના મથક પરથી વાયુસેનાના એમઆઈ-૧૭ વી-૫ હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યા છે. દામોદર વેલી કોર્પોરેશન દ્વારા છોડવામાં આવેલા પાણીના કારણે ૧૬ લોકોના મોત થયા છે અને ૧૬૦ ગામના ૨૦ લાખથી વધુ લોકોને અસર થઈ છે. દરમિયાન જળ સંશાધન મંત્રાલયે આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરતાં પૂર્વ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ તેમજ પૂર્વ રાજસ્થાનમાં નદીઓની સપાટી વધવાની ચેતવણી આપી છે.

ગઢવાલમાં ભારે વરસાદની આગાહી
ઉત્તરાખંડમાં ગઈ કાલ રાતથી જ ભારે વરસાદ ચાલુ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરતાંં જણાવ્યું છે કે આવતી કાલે ગઢવાલ વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બીજી બાજુ રુદ્ર પ્રયાગમાં સિરોબગડ વિસ્તારમાં ભૂસ્ખલન થતાં બદરીનાથ હાઈવે બંધ થઈ ગયો હતો, જેના કારણે આ રોડ પરનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે.

જોકે આજે જો આ વિસ્તારમાં ભારે વરસાદ પડે તો તેના કારણે અનેક નદીઓમાં પૂર આવે તેવી સંભાવના છે. તેને ધ્યાનમાં લઈને તંત્રએ રાહત બચાવ કામગીરી માટેની પૂર્વ તૈયારી કરી લીધી છે.

રાજસમંદમાંથી ૧૦૭૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા
આ તરફ રાજસ્થાનના જાલૌર, પાલી, બાડમેર અને રાજસમંદમાંથી ૧૦૭૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.  આ તમામ વિસ્તારમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે હાલ આ વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકારના સંપર્ક અધિકારીએ જણાવ્યું કે આ જિલ્લામાંથી ૫૨૦ લોકોને ૨૦ જેટલા રાહત કેમ્પમાં આશરો આપવામાં આવ્યો છે.

ઓડિશામાં પૂરથી ચારનાં મોત
દરમિયાન પૂરરાહત કમિશનર બી.પી. સેઠીએ જણાવ્યું કે ઓડિશામાં પૂરથી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે તેમજ સાત સભ્યવાળી કેન્દ્રીય ટીમે આસામમાં પૂરથી પ્રભાવિત લોકોને બચાવવા તેમજ આ વિસ્તારમાં પૂરથી થયેલા નુકસાન બાદ રાહત કામગીરી હાથ ધરી છે, જેમાં કેન્દ્ર સરકારે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને બે -બે લાખની સહાય આપવા જાહેરાત કરી છે. આ વર્ષે આસામમાં પૂરથી ૭૯ લોકોનાં મોત થયાં છે.

You might also like