શહેરના પશ્ચિમ સહિતના વિસ્તારોમાં તાળાં તોડતી ગેંગ ફરી સક્રિય બની

અમદાવાદ: ૬ જુલાઈના રોજ શહેરમાં રથયાત્રા નીકળવાની હોઈ પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગના આદેશ અપાયા છે. તેમ છતાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે દુકાન-ઓફિસનાં તાળાં તોડતી ગેંગ સક્રિય બની છે. છેલ્લા પાંચ િદવસમાં શહેરના ચાંદખેડા, બાદમાં કાલુપુર અને આશ્રમરોડ પર આવેલી ઓફિસોને તસ્કરોએ ટાર્ગેટ બનાવી છે. માત્ર ચાંદખેડા વિસ્તારમાં જ ચોરીની પોલીસે ફરિયાદ નોંધી છે. બાકીમાં માત્ર પોલીસ નોંધ કરી છે. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

ગત બુધવારે ચાંદખેડાના ન્યુ સીજીરોડ પરના સર્જન કોમ્પ્લેક્સમાં આવેલી યાસિકા એન્ટરપ્રાઈઝ તેમજ આસપાસમાં આવેલી પાંચ દુકાનનાં તાળાં અજાણી વ્યક્તિએ તોડ્યાં હતાં, જેમાં તસ્કરો યાસિકા એન્ટરપ્રાઈઝમાંથી રૂ. ૧.૨૫ લાખના મોબાઈલ ફોનની ચોરી કરી ગયા હતા. ઘટનાના બે દિવસ બાદ એટલે કે શુક્રવારે રાત્રે કાલુપુર વિસ્તારમાં ટંકશાળ રોડ ઉપર પણ ચારેક જેટલી દુકાનનાં તાળાં તૂટ્યાં હતાં. ટંકશાળ રોડ રાત્રે પણ ધમધમતો હોય છે, છતાં તસ્કરો બેફામ બની ચોરી કરતા હોય છે.

પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે. રવિવારે રાત્રે પણ આ તાળાં તોડતી ગેંગે આશ્રમરોડ પર આવેલી સાકાર-૩ બિલ્ડિંગ, જેમાં સિક્યોરિટી ગાર્ડ્સ પણ હોવા છતાં બિલ્ડિંગમાં ઘૂસી પાંચથી છ ઓફિસનાં ઈન્ટરલોક તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મજબૂત લોક હોવાથી ખૂલ્યાં નહોતાં. આ બાબતે સવારે ઓફિસના લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી. બિલ્ડિંગની સીસીટીવીમાં બે શકમંદ વ્યક્તિ નજરે પડે છે, જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે રથયાત્રાને લઈ પોલીસને એલર્ટ રહેવા અને પેટ્રોલિંગના આદેશ અપાયા છે, છતાં પોલીસના નાક નીચેથી તસ્કરો ચોરી કરવાનો પ્રયાસ અથવા ચોરી કરી ફરાર થઈ જાય છે.

You might also like