જાણીતા શાયર અને ગીતકાર નિદા ફઝલીનું જૈફ વયે નિધન

મુંબઈ: જાણીતા શાયર અને ગીતકાર નિદા ફઝલીનું આજે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેઓ ૭૮ વર્ષના હતા. પદ્મશ્રી અને સાહિત્ય અકાદમીથી સન્માનિત નિદા ફઝલીએ ગઝલો, શાયરી તથા ફિલ્મો ગીતોમાં ધૂમ મચાવી હતી. તેમનો જન્મ ૧ર ઓકટોબર, ૧૯૩૮ના રોજ દિલ્હી ખાતે થયો હતો. મુળ તેઓ ગ્વાલિયરના રહીશ હતા.

ઉર્દૂના મશહુર શાયર તરીકે તેઓ દેશ-વિદેશમાં જાણીતા હતા. તેમના પિતા પણ શાયર હતા. તેઓએ શિક્ષણ ગ્વાલિયરમાં લીધું હતું. નાની ઉંમરથી તેઓ લખવાના શોખીન હતા. લેખન જ તેમનો જીવન મંત્ર હતો. નિદાનો અર્થ છે સ્વર એટલે કે અવાજ. તેમણે અનેક ફિલ્મો માટે પણ ગીતો લખ્યા હતા. જે અત્યંત લોકપ્રિય બન્યા હતા. તેઓએ રઝિયા સુલતાન માટે ગીતો લખ્યા હતા.

તેમના લોકપ્રિય ગીતોમાં હોશવાલો કો ખબર કયા, બેખુદી કયા ચીજ હૈ… (સરફરોઝ), કભી કિસી કો મુકમલ જહાં નહીં મિલતા (આહિસ્તા આહિસ્તા), તુ ઇસ તરહસે મેરી જિંદગી મેં સામેલ હૈ… (આહિસ્તા આહિસ્તા) વગેરે ગીતોએ એ જમાનામાં ધુમ મચાવી હતી. તેમની ગઝલ હર તરફ હર જગહ મેસુમાર આદમી, અપના ગમ લે કે કહી ઔર ન જાયા જાયે, દુનિયા જીસે કહેતે હૈ મિટ્ટીકા ખિલોના હૈ વગેરે પણ આજે પણ લોકોના મોઢે છે.

You might also like