‘ફિતૂર’ માટે વજન ઘટાડવું પડ્યું

આદિત્ય તેની આગામી ફિલ્મ ‘ફિતૂર’ને લઈને અતિ ઉત્સાહિત છે. તે પહેલી વાર કેટરીના સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મ પહેલાં સુશાંતસિંહ રાજપૂત કરવાનો હતો, પરંતુ કોઈક કારણસર તે આ ફિલ્મ ન કરી શક્યો અને તે ફિલ્મ આદિત્ય પાસે આવી ગઈ. જ્યારે આદિત્ય રોય કપૂરે સાંભળ્યું કે આ ફિલ્મમાં કેટરીના કૈફ છે તો તેણે તરત જ ફિલ્મમાં કામ કરવા માટે હા કહી દીધી.

આ ફિલ્મમાં તે નૂર નામના મૂર્તિકારનું પાત્ર ભજવી રહ્યો છે. તે પોતાના પ્રેમ એટલે કે ફિરદોશનો દીવાનો છે. કેટરીના કૈફ આ ફિલ્મમાં ફિરદોશની ભૂમિકામાં છે. બાળપણથી જ નૂર ફિરદોશનાં સપનાં જોતાે હોય છે. પ્રેમનું એક ફિતૂર તેના દિલોદિમાગ પર સવાર છે. તે એવા પ્રેમની પાછળ પડ્યો છે, જે ખૂબ નસીબદારને મળે છે અને ક્યારેક તો મળતો પણ નથી. તે પોતાના પ્રેમના ઝનૂનને પોતાની આર્ટ દ્વારા બહાર કાઢે છે.

નૂરનું પાત્ર ભજવવા માટે આદિત્યએ આર્ટના ક્લાસ પણ કરવા પડ્યા હતા. તે કહે છે કે જો હું તે ન શીખત તો પાત્રને યોગ્ય ન્યાય ન આપી શકત. જો હું એક કલાકારના રૂપમાં કોઈ મૂર્તિ બનાવું કે પેઈન્ટિંગ કરું તો તે વિશ્વસનીય લાગવી જોઈએ. પ્રેક્ટિસ કરતાં કરતાં મને લાગ્યું કે આર્ટ એટલી સરળ નથી. આ પાત્રના ઊંડાણ સુધી જવા માટે મારે શારીરિક તૈયારીઓ પણ કરવી પડી. આ રોલ માટે મેં આઠથી ૨૦ કિલો વજન ઘટાડ્યું, કેમ કે ફિલ્મમાં કેટલાક દૃશ્યમાં મારે શર્ટલેસ થવાનું હતું.

You might also like