સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ મન પ્રસન્ન રહેશે અને આપને નજીકના ભવિષ્યમાં લાભ કરાવી આપતી ઘટનાનો તમને આગોતરો અણસાર મળી જશે. તમે વધુ પડતા સાહસમાં શ્રદ્ધા ધરાવો છો અને તેના કારણે તમારા હાથે ઉત્તમ કાર્યો થાય. નવા વ્યવસાયિક સંબંધો સ્થપાય જે ધનલાભ માટે ઉપયોગી સાબિત થાય. આ સમયગાળામાં તમારે કાનૂની બાબતોમાં વિશેષ સાવધ રહેવાની આવશ્યકતા ઉપર ગણેશજી ભાર મૂકે છે.

વૃષભઃ થોડા સમય માટે પણ આપનાં બધાં જ કષ્ટો અને મુશ્કેલીઓ દૂર થતી જણાય અને ભોગવિલાસની સામગ્રીમાં વૃદ્ધિ થાય. આપના સ્વાસ્થ્યમાં સુધારો થાય. કાયમી લાભ કરાવી આપતા વ્યવસાયનું આયોજન થવાનો પણ સંભવ રહે છે. નવા મૈત્રી સંબંધો સ્થપાય. મોજમજા અને મનોરંજનનું પ્રમાણ વધે. આપનાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. તમારું સ્પષ્ટતાવાદી વલણ તમને મોટી મુશ્કેલીઓમાંથી ઉગારે.

મિથુનઃ પારિવારિક પ્રસંગો આપને વ્યસ્ત રાખે, આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરિયાત વર્ગ માટે આ સમયગાળો વિશેષ ફાયદાકારક બની રહેશે. સંતાન તરફથી સંતોષ પ્રાપ્ત થાય તથા ઘરના વડીલોના આશીર્વાદ તમને મળે. હાલ આપને લાંબા ગાળે ઉમદા લાભ મળવાનું વાતાવરણ સર્જાઈ રહ્યુ છે પરંતુ આપના ખરાબ વાણી વ્યવહારના કારણે તે લાભો મળતા અટકી ન જાય તે આપે જોવાનું રહેશે. આ સમયગાળામાં તમે બોલવાનું બને એટલું ઓછું કરો.

કર્કઃ તમારી આસપાસના અને હરોળના લોકો તમારાથી આગળ નીકળી ગયા હોવાની લાગણી તમને અસંતુષ્ટ બનાવે. આ સમયગાળામાં તમારે અન્યોની ટીકામાંથી બચવાની અને વધુ પડતું જડ વલણ ન દાખવવાની સલાહ છે. બલ્કે આપને આપનાં વલણમાં બદલાવ લાવવાની આવશ્યકતા છે, જેથી તમે પરિસ્થિતિઓના સકંજામાં સપડાવાથી બચી શકો. આ સમયમાં તમારી રોજિંદી આવકમાં વૃદ્ધિ થાય.

સિંહઃ આ સમયગાળામાં શારીરિક સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ રહેલી છે. ભૂખ ન લાગવી, અપચો રહેવો જેવી ફરિયાદો રહે. ખોટી દોડધામ વધવાથી કે બિનજરૂરી કામકાજના ભારને કારણે હાથ-પગની પીડા પણ વ્યથિત કરશે. ઘરમાં વડીલ વર્ગની શારીરિક અસ્વસ્થતા પણ તમારી ચિંતાઓમાં વધારો કરાવે. કોઈ વિશેષ આયોજન નક્કર પરિણામ તરફ આગળ નહીં વધવાને કારણે મન ખિન્ન થાય. યાત્રા-પ્રવાસમાં સાવધાનીપૂર્વક વર્તવું.

કન્યાઃ આપનું વ્યક્તિત્વ આશા અને ઉત્સાહથી સભર રહેશે. વ્યવસાયમાં ઘણા લાભો મળે. ઘરમાં સુખશાંતિ જળવાઈ રહે. મિત્રો અને સબંધીઓ સાથે મોજમજામાં આપનો ઉત્તમ ખુશનુમા અને તણાવ રહિત સમય પસાર થાય. વધુ પડતા આનંદપ્રમોદમાં ડૂબી ન જતાં અગત્યના વ્યવસાયિક કાર્યોની પૂર્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો. આ અઠવાડિયાને આપના લાભમાં પરિવર્તિત કરવા માટે આપને વિશિષ્ટ પ્રયત્નો અને સખત મહેનતની જરૂર પડશે.

તુલાઃ દેવાની ચિંતા, રોગની પરેશાની, વ્યવસાયિક લાભોમાં વિલંબ અને ઘરમાં અશાંતિ એ આપના આ અઠવાડિયાની ફળશ્રુતિ રહેશે. મન ઉદાસ રહે. કામકાજની ચિંતા સતાવે. મિત્રો અને સગાસંબંધીઓ તરફથી ઇચ્છિત સહયોગ ન મળતા તમારા મનની કડવાશમાં વધારો થાય. જોકે સામાજીક કાર્યમાં જુના સંબંધીઓ અને અન્યો સાથે પ્રેમ અને સ્નેહપૂર્વક વર્તવાથી નવીનતાનો અનુભવ કરી શકશો. આપના સંબંધીઓ અને મિત્રોને તમે ઘણા બળવાખોર અને તેમની પહોંચની બહારના વ્યક્તિ લાગી શકો છો.

વૃશ્ચિકઃ આ સમયગાળો તમારા સ્વાસ્થ્ય માટે વિશેષ અનુકુળ રહેશે તેમજ દાંપત્યજીવનની મુશ્કેલીઓમાં ઘટાડો થશે. આપનાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય અને તમારા વિરોધીઓ પરાસ્ત થાય. યાત્રા કે પ્રવાસ દરમિયાન માનસિક સંતાપ વધે. વ્યવસાયિક ક્ષેત્રમાં વિશેષ સફળતા મળવાના યોગો છે. અટકેલાં કે વિલંબમાં પડેલાં કાર્યો ફરીથી આગળ વધે. આ સમયગાળામાં બિનજરૂરી ખર્ચાઓનું પ્રમાણ વધે.

ધનઃ વ્યવસાયના વિસ્તરણનું આયોજન હાથ ધરશો. આગામી સમયગાળામાં તમને બઢતી તથા સન્માન મળવાના યોગ છે. ઉચ્ચ અધિકારી સાથે સહયોગપૂર્ણ વાતાવરણ જાળવી રાખવું આપના માટે હિતકર રહેશે. આ સમયગાળામાં આપને મળતી સફળતા પાછળ આપનો પરિવાર અને મિત્ર વર્તુળનો પણ મહત્વનો ફાળો રહેશે એ વાત ન ભુલાય. આપની વ્યવસાયિક યોજનાઓને ગુપ્ત રાખવામાં જ આપનું હિત સમાયેલું છે.

મકરઃ આ સમયગાળામાં આપને ઘર-પરિવાર કે જીવનસાથી સાથે વિશેષ સમય વ્યતિત કરવાનો અવસર મળશે. આ સમયગાળામાં આપના દરેક કાર્યોમાં જીવનસાથીનો ઇચ્છિત સહયોગ અને સમર્પણ મળી રહેશે. એથી આપની વચ્ચેના પ્રેમમાં વૃદ્ધિ થાય. જો કે દાંપત્ય જીવનના ખર્ચાઓમાં પ્રમાણ નોંધપાત્ર વધારો થાય. જોકે આ સમયગાળામા વડીલો સાથે મતભેદ થવાનો સંભવ છે અને તેમાં બંને વચ્ચે સામાન્ય સમજણ અને તાલમેલનો અભાવ કારણભૂત હશે.

કુંભઃ અઠવાડિયાની શરૂઆતમાં આપનું સ્વાસ્થ્ય કથળવાની સંભાવનાઓ રહેલી છે અને આ સમયગાળામાં આપના ખર્ચના પ્રમાણમાં અસાધારણ વધારો થાય. આપના પરિવારજનો સાથે સારા સંબંધો જાળવી રાખવા માટે આપને વિશેષ પ્રયત્નો કરવા પડે. પારિવારિક સુખ-શાંતિને લઈને તમારી ચિંતાઓમાં વધારો થાય. આપના દાંપત્યજીવનમાં પણ તણાવભરી સ્થિતિ સર્જાવાની સંભાવનાઓ રહેલી છે. આવકનું પ્રમાણ વધે અને સામે ખર્ચ પણ વધે.

મીન: આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. નવી ઊર્જા અને ઉત્સાહ સાથે આપનાં દરેક કાર્યો પૂર્ણ થાય. જોકે આ સમયગાળામાં આપના ઉપરીઓનો અનુભવ આપના કામમાં ન આવે એવી શક્યતાઓ છે. મધુર વાણી અને બુદ્ધિચાતુર્ય દ્વારા તમે મોટાભાગનાં કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. આ સમયગાળામા આપનામાં રહેલા નેતૃત્વના ગુણો પ્રકાશમાં આવે. આ સમયગાળામાં વિદેશ યાત્રા મુલતવી રાખવી આપના માટે યોગ્ય રહેશે.

You might also like