ઉત્તર ભારતમાં મોસમનો કહેરઃ હિમાચલમાં આભ ફાટતાં તબાહીઃ મૃત્યુઆંક 11

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં મોસમનો કહેર જારી છે. ક્યાંક પ્રચંડ પૂરે તબાહી મચાવી છે તો ક્યાંક આભ ફાટવાની ઘટનાથી ભારે વિનાશ વેરાયો છે. હિમાચલ અને પંજાબના કેટલાય વિસ્તારમાં રેડ એલર્ટ જારી કરાયેલ છે. સતત વરસાદને કારણે ઉત્તરાખંડના ચારધામ યાત્રા માર્ગ પર હજારો લોકો ફસાયા છે.

હિમાચલમાં પ્રચંડ પૂરે ભારે કહેર મચાવ્યો છે. કુલુ-મનાલીનો સંપર્ક દેશના અન્ય ભાગોથી કપાઇ ગયો છે. રાજ્યના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. સીમલાના કયારી વિસ્તારમાં આભ ફાટવાથી ભારે તબાહી સર્જાઇ છે.

પાણીના તેજ વહેણમાં લગભગ ઘણું બધું તણાઇ ગયું છે. અડધો ડઝનથી વધુ ગાડીઓ કાટમાળમાં ફસાઇ ગઇ છે. શિમલામાં પથ્થરની એક મોટી શીલા મકાન પર પડતાં ત્રણ લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. જ્યારે સાત મજૂરો ઘરમાં આરામ કરી રહ્યા હતા ત્યારે એક મોટો પથ્થર પહાડ પરથી ગબડીને મકાન પર પડતાં ત્રણના મોત થયા હતા.

રોહતંગ પાસ અને લાહોલ-સ્પીતીમાં જોરદાર હિમવર્ષા બાદ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર માર્ગ પર બરફની ચાદર છવાઇ ગઇ છે. ચાર ફૂટ સુધી બરફ જામી ગયો છે. દરમિયાન હિમાચલ પ્રદેશની લાહોલ ખીણમાં ટ્રેકિંગ માટે ગયેલા આઇઆઇટી-રૂરકીના ૬૦ વિદ્યાર્થીઓને એરફોર્સના હેલિકોપ્ટરોને બચાવી લીધા છે.

જોકે લાહોલ-સ્પીતીમાં હજુ પણ પ૦૦થી વધુ લોકો ફસાયા છે. આ પૈકી ૩૦૦ લોકો બારાલાચા વિસ્તારમાં અને બાકીના ર૦૦ કોકસારમાં ફસાયા છે. ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે મૃતકોનો આંક વધીને ૧૦ થઇ ગયો છે. રાજ્ય ૬૧૯ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.

એકલા સીમલામાં ર૯૪ માર્ગ બંધ થઇ ગયા છે. દિલ્હીમાં યમુના ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. યમુનાની સપાટી વધીને ર૦પ.ર૪ પર પહોંચી ગઇ છે. આજે હરિયાણા હથિની કુંડમાંથી ર૮,રપ૩ કયૂસેક પાણી છોડવામાં આવતાં યમુનાની સપાટી હજુ વધી શકે છે તેના પગલે આસપાસના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

You might also like