દેશના 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

દેશના ઓછામાં ઓછા 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદ તેમજ આંધી-તોફાનની આગાહી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક સ્થળો પર ભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તરાખંડ અને પંજાબના કેટલાક સ્થળો પર તેજ પવન સાથે મધ્યથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અધિકારી મુજબ જમ્મ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી આશંકા છે.

ઉત્તર પશ્ચિમ ભારતના હવામાનમાં એકવાર ફરી પલટો આવી ગયો છે. જમ્મ-કાશ્મીરમાં એક વેસ્ટર્ન ડિસ્ટરબેન્સ ફરી સર્જાઇ રહ્યું છે. જેના કારણે અહી ત્રિકૂટ પર્વતમાળાથી લઇને પીરપંજાલ સુધી મૌસમમાં ફેરફાર થયો છે. હવામાન વિભાગના જણાવ્યુા અનુસાર અહી હાલમાં જે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ સર્જાઇ રહ્યું છ તેની પાછળ-પાછળ બીજું વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પણ આવી રહ્યું છે.

હવામાન વિભાગના અનુમાન દ્વારા વેસ્ટર્ન ડિસ્ટરબન્સની સાથે ટક્કરના કારણે હિમાલયની તળેટીવાળા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના તાજા આંકડાઓ મુજબ ઉત્તરાખંડમાં કેટલીક જગ્યા પર છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે.

હરિયાણામાં વાતાવરણમાં પલટો આવવાના કારણે શિક્ષા પ્રધાન રામબિલાસ શર્માએ 7 અને 8 મેના રોજ રાજ્યની દરેક સ્કૂલોને બંધ રાખવાનો આદેશ કર્યો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં 8 મે સુધી ધીમી ધારે વરસાદ પડશે. આ પહાડી વિસ્તારોમાં 8 મેના રોજ સૌથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં 7 અને 8 મેના રોજ ભારે તોફાની આંધી સાથે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તરી રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાઓ પર ભારે ધૂળની ડમરી સાથે આંધી અથવા વરસાદની સંભાવના છે.

દિલ્હી-એનસીઆરની વાત કરીઓ તો આજરોજ કેટલાક વિસ્તારમાં તેજ પવન સાથે મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે દિલ્હી-એનસીઆરમાં 8 મેના રોજ 50 કિમી પ્રતિ કલાકની તેજ રફતાર સાથે આંધીની આશંકા છે જેના કારણે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

You might also like