રાજ્યનું હવામાન પલટાયુંઃ વલસાડમાં કમોસમી વરસાદ

અરબી સમુદ્રમાં લો-પ્રેશરની સિસ્ટમ સર્જાતાં અચાનક હવામાન પલટાયું છે. અમદાવાદમાં સવારથી આંશિક વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાતા લોકોએ આકરી ગરમીમાં રાહત મેળવી હતી. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે સવારે કમોસમી વરસાદ પડવાથી કેરીના પાકને નુકસાન થતા ખેડૂત આલમ ચિંતાતૂર બન્યો હતો.

દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા આગામી ૪૮ કલાક સુધી રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે.

અમદાવાદમાં આજે અરબી સમુદ્રમાં ઉદ્દભવેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે હવામાનમાં આંશિક ઠંડક પ્રસરી ગઇ હતી. સવારના આઠ વાગ્યાથી સૂર્યનારાયણનો આકરો તાપ અનુભવતા નાગરિકોએ વાદળછાયા વાતાવરણના કારણે રાહત અનુભવી હતી. જોકે આજે સવારે શહેરનું લઘુતમ તાપમાન ર૬.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતા ત્રણ ડિગ્રી વધુ હતું.

દરમ્યાન સ્થાનિક વિભાગની કચેરી દ્વારા આવતી કાલે આંશિક વાદળછાયા વાતાવરણ સાથે શહેરના મહત્તમ તાપમાનમાં ત્રણેક ડિગ્રીનો ઘટાડો થઇને ૩૯.૦ ડિગ્રી રહે તેવી સંભાવના દર્શાવાઇ છે.

જ્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રનાં અમરેલી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લા, કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મધ્ય ગુજરાતના વડોદરા અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આગામી ૪૮ કલાક દરમ્યાન હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી આગાહી કરાઇ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ હવામાન વિભાગ દ્વારા અપાઇ છે.

You might also like