હથિયારો સાથે ધાડપાડુ ગેંગ ઝડપાઈઃ બે લૂંટારા પોલીસને થાપ અાપી નાસી છૂટ્યા

અમદાવાદ: બાવળા નજીક અાવેલા રજોડા ગામના પાટિયા પાસે રોડ પરથી પોલીસે એક ધાડપાડુ ગેંગને હથિયારો સાથે ઝડપી લીધી હતી. જ્યારે ધાડપાડુઓ રાત્રીના અંધારામાં પોલીસને થાપ અાપી મોટરસાઈકલ પર નાસી છૂટ્યા હતા.

અા અંગેની વિગત એવી છે કે ગઈ રાતે બાવળા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રજોડા પાટિયા પાસે રોડ પર બે બાઈકો પાર્ક કરી છ શખસ હથિયારો સાથે ઊભા રહેલા જોવા મળતા પોલીસે કોર્ડન કરી ચાર અારોપીને ઝડપી લીધા હતા જ્યારે બે શખસ રાતના અંધારાનો લાભ લઈ બાઈક ઉપર નાસી છૂટ્યા હતા. અા શખસો ધાડ પાડવા માટે કાવતરું રચવા ભેગા થયા હતા પરંતુ ગુનો અાચરે તે પહેલાં જ પોલીસના હાથમાં અાવી ગયા હતા.

પોલીસે રણજીત પાટા રાઠોડ, છોટુ ઘનશ્યામ પટેલ, અમરદીપ ફુલજી પટેલ, કલ્પેશ ભરત પટેલની ધરપકડ કરી લોકઅપ ભેગા કરી દીધા હતા. જ્યારે રામસંગ બાબુ સોલંકી અને અમરત પરષોત્તમ મકવાણા નામના બે ગુનેગારો બાઈક પર નાસી છૂટ્યા હતા. અા ટોળકીએ અમદાવાદ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ ધાડના ગુના અાચર્યા છે. અા ટોળકીની પૂછપરછ દરમિયાન ધાડના અનેક ગુનાના ભેદ ઉકેલાવવાની સંભાવના છે.
http://sambhaavnews.com/

You might also like