ટ્રમ્પની દુનિયાને ધમકી, હિંમત હોય તો ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી જુઓ

728_90

નવી દિલ્હીઃ અમેરિકાનાં આર્થિક પ્રતિબંધોનાં ઓછાયા હેઠળ ભારતે રશિયા સાથે એસ-૪૦૦ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદવા પર સમજૂતી કરી અને બીજી બાજુ હવે ઇરાન પર અમેરિકાના પ્રતિબંધો છતાં ઓઇલની ખરીદી અમેરિકાને સ્વીકાર્ય નથી અને તેના પગલે અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પરનાં પ્રતિબંધને ટાંકીને સમગ્ર દુનિયાને ધમકી આપતાં જણાવ્યું છે કે જો ૪ નવેમ્બર બાદ કોઇ પણ દેશ ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે તો સૌથી કડકમાં કડક પગલાંનો સામનો કરવો પડશે.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલની આયાતને લઇને ચેતવણી આપતાં જણાવ્યુું છે કે ૪ નવેમ્બર સુધી ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડીને શૂન્ય નહીં કરનારા દેશોને પણ અમેરિકા જોઇ લેશે. ભારત અને ચીન જેવા દેશો દ્વારા ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ચાલુ રાખવા માટે પૂછતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ભારત અને ચીનને પણ જોઇ લઇશું.

ડોનાલ્ડ ટ્રમ્પે મેં મહિનામાં અમેરિકાને ર૦૧પમાં થયેલ ઇરાન પરમાણુ સમજૂતીથી અલગ પાડી દીધું હતું અને તેના પર ફરીથી પ્રતિબંધો ઝીંક્યા હતા. ટ્રમ્પે ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરનારા દેશોને ૪ નવેમ્બર સુધી પોતાની આયાત ઘટાડીને શૂન્ય કરવા તાકીદ કરી હતી. સાથે જ તેમને આવું નહીં કરનારા દેશો પર પ્રતિબંધો લાદવાની પણ ચેતવણી આપી છે.

અમેરિકાએ પોતાના વિરોધીઓ વિરુદ્ધ પ્રતિબંધ લાદવા માટે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડ્વર્સરીઝ થ્રુ સેન્કશન્સ એકટ (કાટસા) કાયદો ઘડ્યો છે. આ કાયદા હેઠળ રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવા અંગે અમેરિકાના પ્રતિબંધોમાંથી ભારતને છૂટ આપવાનો અધિકાર માત્ર પ્રમુખ પાસે છે. હવે જ્યારે ટ્રમ્પે જોઇ લેવાની ધમકી આપી છે ત્યારે અમેરિકા ભારત વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરે છે કે કેમ? તે સ્પષ્ટ થઇ જશે.

You might also like
728_90