પશ્ચિમ બંગાળમાં રથયાત્રા માટે જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટમાં જઈશુંઃ કૈલાસ વિજયવર્ગીય

કૂચબિહાર: ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપની રથયાત્રા માટે જરૂર પડે પાર્ટી સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખટખટાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ગુરુવારના એ આદેશમાં સુધારો કર્યો હતો કે જેમાં ભાજપની સૂચિત રથયાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે એવો નિર્દેશ આપ્યો છે કે મુખ્ય સચિવ, ગૃહસચિવ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ૧૨ ડિસેમ્બર સુધીમાં ભાજપના ત્રણ પ્રતિનિધિઓ સાથે બેસીને બેઠક કરે અને ૧૪ ડિસેમ્બર સુધી આ કેસમાં કોઈ નિર્ણય કરે. અદાલતના આ નિર્ણય અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં જરૂર પડે અમે સુપ્રીમ કોર્ટના દ્વારો પણ ખટખટાવીશું.

કલકત્તા હાઈકોર્ટે ભાજપના એ પત્રોનો કોઈ જવાબ નહીં આપવા બદલ પશ્ચિમ બંગાળને ફટકાર લાગવી હતી, જે તેણે રાજ્યમાં પોતાની રથયાત્રા માટે મંજૂરી માગવા માટે લખ્યો હતો. ભાજપ પ્રદેશ નેતૃત્વને સમર્થન આપતા કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યું હતું કે પક્ષ તરફથી કોઈ ભૂલ થઈ નથી અને સમગ્ર પક્ષ આ મુદ્દે અને અમે પ્રદેશ અધ્યક્ષ સાથે છીએ.

બીજી તરફ ભાજપ પશ્ચિમ બંગાળના અધ્યક્ષ દિલીપ ઘોષે હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે અદાલતને આ નિર્ણય માટે ધન્યવાદ આપીએ છીએ. રાજ્ય સરકારને કેટલાય દિવસથી આ મામલે અમારી સાથે ચર્ચા કરવાનો સમય ન હતો. હવે તેઓ અમારી સાથે ચર્ચા કરવા બેસશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપનો ત્રણ રથયાત્રાઓ કાઢવાનો કાર્યક્રમ છે, જેમાં સ્વયં ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ જોડાનાર છે, જોકે હવે અમિત શાહનો આ કાર્યક્રમ રદ થઈ ગયો છે. એક રથયાત્રા ૭ ડિસેમ્બરના રોજ કૂચબિહારથી નીકળનાર હતી. બીજી રથયાત્રા ૯ ડિસેમ્બરે ૨૪ પરગનાથી અને ત્રીજી ૧૪ ડિસેમ્બરે બીરભૂમિથી નીકળનાર હતી, પરંતુ મમતા બેનરજીની સરકારે આ માટે મંજૂરી આપી ન હતી.

You might also like