રાજભરનું મોટું એલાનઃ અમે ભાજપથી અલગ થઈને લોકસભા ચૂંટણી લડીશું

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં ભાગીદાર સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના વડા ઓમપ્રકાશ રાજભરે ભાજપને ઝટકો આપતા જણાવ્યું છે કે તેમણે હવે એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

ઓમપ્રકાશ રાજભર આજે ૨૫ ઉમેદવારનાં નામની જાહેરાત પણ કરશે. જોકે રાજભર પ્રધાનપદેથી રાજીનામું આપશે નહીં. રાજભરે જણાવ્યું હતું કે મેં રાજીનામું આપવા માટે ગઈ કાલે બપોર બાદ મુખ્યપ્રધાનનો સમય માગ્યો હતો, પરંતુ ગઈ કાલે તેમણે સમય આપ્યો ન હતો. હવે તેઓ છઠ્ઠા અને સાતમા તબક્કાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે અને પ્રધાનપદે પણ યથાવત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી આ વાતની ચર્ચા ચાલી રહી હતી. થોડાક સમય પહેલા જ રાજભરે જણાવ્યું હતું કે હું ભાજપનો નેતા નથી. અમારો પક્ષ અલગ છે. પૂર્વાંચલમાં અમારી તાકાતને જોઈને ભાજપે અમને પોતાનો સાથ આપ્યો છે. અમે કોઈની મહેરબાનીથી નહીં, પરંતુ જંગ લડીને પ્રધાન બન્યા છે. એટલા માટે અમે સાચું બોલીએ છીએ. રાજ્યના મુખ્યપ્રધાન સાથે પ્રજાના હિત માટે મારી વૈચારિક લડાઈ ચાલી રહી છે.

ઓમપ્રકાશ રાજભરે ભાજપને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ઉત્તર પ્રદેશમાં ઓબીસીને ૨૭ ટકા અનામત આપવામાં નહીં આવે તો મારો પક્ષ એનડીએથી છેડો ફાડી નાંખશે. સુભાસપાના અધ્યક્ષે જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપને સાથી પક્ષો યાદ આવે છે. હવે અમે તો છાશ ફૂંકી ફૂંકીને આપીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓમપ્રકાશ રાજભરે સ્પષ્ટ કર્યું છે કે જો અમારી માગણી સાંભળવામાં નહીં આવે તો નુકસાન ભાજપને જ ભોગવવું પડશે. તેમણે જણાવ્યું હતું કે અગાઉ તેમનો પક્ષ પૂર્વાંચલની ૩૨ બેઠકો પર પ્રભાવ ધરાવતો હતો, પરંતુ હવે પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર રાજ્યની ૮૦ બેઠક પર અમારા પક્ષનો પ્રભાવ વધ્યો છે, કારણ કે અમે સરકારમાં રહીને પ્રજાની સમસ્યાઓ માટે સરકાર વિરુદ્ધ રણશિંગું ફૂક્યું છે. ઉત્તર પ્રદેશમાં ૪૦૩ સભ્યના વિધાનગૃહમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ચાર ધારાસભ્ય છે.

You might also like