અમે ભારતને ક્લીન સ્વિપ આપવા ઇચ્છીએ છીએઃ રબાડા

જોહાનિસબર્ગઃ ભારત સામે શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ પહેલાં દ. આફ્રિકાના ફાસ્ટ બોલર કેગિસો રબાડાએ કહ્યું કે તેની ટીમ શ્રેણીમાં ૩-૦થી જીતીને ક્લીન સ્વિપ કરવા ઇચ્છે છે. દક્ષિણ આફ્રિકાએ શ્રેણીની પહેલી બંને મેચ જીતીને ૨-૦ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ આગામી બુધવારથી શરૂ થઈ રહી છે.

રબાડાએ કહ્યું, ”અમે જાણીએ છીએ કે ફાસ્ટ પીચ પર કેવી રીતે રમવું જોઈએ. અમે બધી મેચમાં જીત હાંસલ કરીને ભારતનાં સૂપડાં સાફ કરવા ઇચ્છીએ છીએ. મને લાગે છે કે ભારતીય ટીમ કેપ્ટન વિરાટ કોહલી પર ઘણી નિર્ભર છે. મારા કહેવાનો મતલબ એ નથી કે ભારત પાસે સારા ખેલાડી નથી. ભારતની ટીમમાં સારા ખેલાડી છે, પરંતુ તથ્ય એ પણ છે કે તેના મોટા ભાગના રન કોહલી જ બનાવે છે. કોહલી જેવા બેટ્સમેન સામે બોલિંગ કરવાની મજા આવે છે. તેને આઇસીસીએ વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો છે. સર્વશ્રેષ્ઠ સામે પડકારો રજૂ કરવાની મજા આવે છે.”

રબાડાએ વધુમાં કહ્યું, ”ભારતના ફાસ્ટ બોલર્સે અમારી ટીમ સામે પડકાર ફેંક્યો છે. ફાસ્ટ બોલર્સ અહીંના વન્ડરર્સમાં બોલિંગ કરવા માટે ઘણા ઉત્સાહિત છે. અમે પણ અહીંના મેદાન પર ઘણા ઉત્સાહિત રહીએ છીએ, કારણ કે અહીં ઝડપ, ઉછાળ અને સ્વિંગ – એમ બધું જ મળે છે. ભારતીય ટીમમાં પણ સારા બોલર છે.

જસપ્રીત બૂમરાહ બહુ જ સારો બોલર છે અને હવે તેની પાસેથી ઇનિંગ્સની શરૂઆતમાં જ બોલિંગ કરાવાય છે. મોહંમદ શામી ઘણો અનુભવી છે અને તેની પાસે ઝડપ છે. ઉમેશ યાદવ અને ભુવનેશ્વરે પણ કેપટાઉનમાં અમારી ટીમને ઘણી પરેશાન કરી હતી. જોહાનિસબર્ગની પીચ અંગે રબાડાએ કહ્યું, ”મેં હજુ પીચ જોઈ નથી. સોમવારથી અમે પ્રેક્ટિસ શરૂ કરીશું. પછી અમે પીચ જોઈશું.”

You might also like