ઉરી હૂમલા બાદ પાકિસ્તાનને વિશ્વ કક્ષાએ એકલું પાડવાની રણનીતી

નવી દિલ્હી : ઉરીમાં સેનાનાં યૂનિટ પર થયેલા ભીષણ આતંકવાદી હૂમલામાં પોતાનાં 17 જવાનો ગુમાવ્યા બાદ ભારતે પાકિસ્તાનને વિશ્વ સામે ખુલ્લુ પાડવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરીને વિશ્વથી અલગ પાડી દેવાની રણનીતી બનાવી છે. સુત્રો અનુસાર સોમવારે બપોરે વડાપ્રધાન મોદીનાં આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો.

આ મીટિંગમાં વડાપ્રધાને કહ્યું કે આપણે રાજદ્વારી સ્તર પર પાકિસ્તાનને એકલુ પાડવાનો પ્રયાસ કરવો જોઇએ. આ ઉચ્ચ સ્તરીય મીટિંગમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર, નાણા મંત્રી અરૂણ જેટલી, સેના પ્રમુખ દલબીર સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર હતા.

બેઠકમાં હાજર તમામ મંત્રીઓ, એનએસએ અને સેના પ્રમુખે સ્વિકાર્યું કે આ હૂમલામાં પાકિસ્તાનની સંડોવણીનાં પુરાવા છે. સુત્રો અનુસાર ભારતની તરફથી સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આ મુદ્દાને ઉઠાવતા પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાની માંગ કરવામાં આવી શકે છે.

26 સપ્ટેમ્બરે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સંયુક્ત રાષ્ટ્ર સંમેલનને સંબોધિત કરશે. શરૂઆતી તપાસમાં આ હૂમલામાં પાકિસ્તાની એંજલ હોવાનાં પુરતા પુરાવાઓ મળ્યા છે. આતંકવાદીઓ પાસેથી મળેલા પાકિસ્તાની હથિયારો, જીપીએસ ડેટા અને પશ્તો ભાષામાં લખેલ નોટ્સ પરથી સાબિત થાય છે કે આતંકવાદીઓ સીમા પારથી આવેલા હતા. ભારતની તરફથી આંતરરાષ્ટ્રીય સંગઠનો સમક્ષ આ પુરવા મુકે તેવી શક્યતા છે.

આટલું જ નહી 9 અને 10 નવેમ્બરે ઇસ્લામાબાદમાં યોજાનાર સાર્ક સંમેલનમાં વડાપ્રધાન મોદી પણ જાય તે અંગે આશંકા સેવાઇ રહી છે. ટીવી રિપોર્ટસ અનુસાર બેઠક દરમિયાન પાકિસ્તાની સીમામાં હૂમલા મુદ્દે કોઇ રણનીતી નથી બની. જો કે ઘુસણકોરીનો પ્રયાસ કરી રહેલા લોકો વિરુદ્ધ ઓપરેશન ચલાવાઇ શકે છે. તે ઉપરાંત ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓ મુદ્દે સર્ચિંગ ઓપરેશન પણ ચાલુ કરવામાં આવી શકે છે.

You might also like