દાઉદ પોતાના દેશમાં હોવાનો પાક. સરકારનો ફરીથી ઈન્કાર

દિલ્હી: પાકિસ્તાને આજે ફરીથી જણાવ્યું હતું કે અંડરવર્લ્ડ ડોન અને ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમ તેમના દેશમાં નથી. પાકિસ્તાને એમ પણ જણાવ્યું હતું કે ભારતીય સત્તાવાળાઓએ કબૂલ્યું હતું કે માફિયા ડોનના પત્તા વિશે કોઈ માહિતી નથી. દાઉદ ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બોમ્બ વિસ્ફોટોનો માસ્ટર માઈન્ડ છે.

દરમ્યાન, ૨જી ફેબ્રુઆરીના અહેવાલો મુજબ બ્રિટને આર્થિક પ્રતિબંધો માટેની જે નવી યાદી બહાર પાડી તેમાં દાઉદ જ એકમાત્ર ભારતીય નાગરિક છે. આ યાદીમાં સિખ આતંકી જૂથોનો પણ સમાવેશ કરાયો છે.

ગઈ ૨૭મી જાન્યુઆરીએ બ્રિટન દ્વારા જે યાદી બહાર પાડવામાં આવી હતી તેમાં પાકિસ્તાનમાં દાઉદના ચાર સરનામા દર્શાવાયા છે. આ તમામ કરાચીના છે. રેકોર્ડ મુજબ દાઉદ ઈબ્રાહિમ કાસ્કર ઘર નંબર ૩૭, ૩૦મી લેન, રક્ષા હાઉસિંગ ઓથોરિટી, કરાચી, પાકિસ્તાન, ઘર નંબર ૨૯, મરગલા રોડ, એફ ૬ઃ૨, લેન નં.૨૨, કરાચી, પાકિસ્તાન, નૂરબાદ કરાચી, પાકિસ્તાન અને વ્હાઈટ હાઉસ, સાઉદી મસ્જિદ પાસે, ક્લીફ્ટન, કરાચી પાકિસ્તાનમાં રહે છે.

મુંબઈમાં જન્મેલા ગેંગસ્ટરની રાષ્ટ્રીયતામાં ભારતીય લખવામાં આવ્યું છે અને ભારત સરકારે તેનો જે પાસપોર્ટ રદ કરી દીધો હતો તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેણે મેળવેલા ઘણાં ભારતીય અને પાકિસ્તાની પાસપોર્ટનો ઉલ્લેખ છે જેનો તેણે દુરુપયોગ કર્યો છે. યાદીમાં લખવામાં આવ્યું છે કે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ જારી કર્યું છે.

You might also like