પર્યાવરણની જાળવણી વિશે અમારે ભારત પાસેથી શિખવાની જરૂર નથી : હેલી

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના એમ્બેસેડર નિક્કી હેલીએ પેરિસ સમજૂતીમાંથી અમેરિકાએ નામ પરત લેવાનાં ડોનાલ્ડ ટ્રમ્પનાં વિવાદિત નિર્ણયને સમર્થન આપ્યું છે. આ અંગે હેલીએ કહ્યું કે પેરિસ સમજુતી વિશે અમેરિકાએ શું કરવું કે શું નહી તે ભારત, ચીન કે ફ્રાન્સ પાસેથી શિખવાની કે પુછવાની જરૂર નથી.

ચીન પછી બીજા ક્રમે સૌથી વધારે પ્રદૂષણ પેદા કરનારા અમેરિકાએ ગયા અઠવાડીયે પેરિસ સમજુતીમાંથી હાથ પાછો ખેંચી લીધો હતો. હેલીએ કહ્યું કે, 2015ની પેરિસ સમજુતી અંતર્ગત ભારતને ચીન પાસેથી અબજો ડોલર મળશે જે અમેરિકાની સરખામણીએ ઘણા વધારે છે. ટ્રમ્પનાં આ નિર્ણય બાદ અમેરિકા સીરિયાની હરોળમાં આવી ગયું છે જેમણે પેરિસ ડિલ સાઇન નહોતી કરી.

હેલીએ જણાવ્યું કે, મને લાગે છે કેબાકીનું વિશ્વ અમને શિખવાડવા માંગે છે કે અમારે પર્યાવરણ નિયંત્રણ કઇ રીતે કરવું. જો કે આ બધુ અમારા દેશનો દરેક નાગરિક જાણે છે. માટે અમારે પર્યાવરણની જાળવણી કઇ રીતે કરવી તે કોઇ પાસેથી શિખવાની જરૂર નથી. ટ્રમ્પનાં નિર્ણય અંગે વૈશ્વિક પ્રતિક્રિયા અંગે હેલીએ કહ્યું કે તે દેશોએ તેમનું હિત જેમાં રહેલું હોય તે કામ ચાલુ રાખવું જોઇએ. જો પેરિસ સમજુતી તેમનાં હિતમાં હોય તો તેમણે તેમાં જોડાયેલા રહેવું જોઇએ.

ટ્રમ્પનાં નિર્ણયનો બચાવ કરવા હેલીએ જણાવ્યું છે કે, પેરિસ સમજુતીમાં જે પ્રમાણે નિયમો લાદવામાં આવ્યા છે તે પ્રમાણે વેપાર કરી શકાય નહી. ટ્રમ્પ માને છે કે ગ્લોબલવોર્મિંગમાં પરિવર્તન આવી રહ્યું છે પરંતુ તે વેપારનો એક ભાગ છે. અમે પણ ચોક્કસ રીતે સ્વચ્છ હવા અને સ્વચ્છ જળમાં વિશ્વાસ રાખીએ છીએ. જેથી વિશ્વમાં પણ અમેરિકાએ આ વિશે દિશાસૂચક માની શકાય અને અમે તેનાં માટે પ્રયત્નો કરી રહ્યા છીએ.

You might also like