અમારી પાસે અણુશક્તિ, અમેરિકામાં ગમે ત્યાં હુમલા કરી શકીએઃ કિમ જોંગ

સોલ: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ગઈ કાલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવે અમારો દેશ હવે સંપૂર્ણદરીતે પરમાણુશકિત ધરાવતો થઈ ગયો છે. તેથી હવે અમે અમેરિકામાં કોઈ પણ જગ્યાએ હુમલો કરી શકીએ તેમ છીએ. જોકે ઉત્તર કોરિયાની આવી ધમકી સામે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ગમે તેવી સ્થિતિને પહોંચી વળીશું. ત્યારે કીમ જોંગ ઉનના આ નિવેદનને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની જાહેરાતના જવાબ સમાન માનવામાં આવે છે. જેમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા કયારેય પરમાણુ ક્ષમતા હાંસલ કરી નહિ શકે.

દરમિયાન બે મહિનાના વિરામ બાદ ગઈ કાલે ઉત્તર કોરિયાએ આંતરરાષ્ટ્રીય બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. જેમાં ઉત્તર કોરિયાએ દાવો કર્યો હતો કે આ મિસાઈલ ૪,૪૭૫ કિમીની ઊંચાઈએ કરવામાં આવેલા પરીક્ષણની જગ્યાએથી ૯૫૦ કિમી દૂર જાપાનના સમુદ્રમાં પડી હતી. જાણકારોના જણાવ્યા અનુસાર તેની વાસ્તવિક રેન્જ ૮૦૦૦ કિમીથી વધુ હોઈ શકે છે. પરીક્ષણ કરવામાં આવેલી આ મિસાઈલ સિસ્ટમનું નામ આઈસીબીએમ હવાસોંગ-૧૫ છે.

આ મિસાઈલ પરમાણુ હથિયાર પણ લઈ જઈ શકે છે. આ પરીક્ષણ બાદ ઉત્તર કોરિયાના સરકારી ટીવી પર એક એન્કરે કિમ જોંગ ઉનનું ભાષણ વાંચતા જણાવ્યું હતું કે હું ગર્વથી મારા દેશવાસીઓને જણાવવા માગું છું કે આપણે જે સ્વપ્ન જોયું હતું તે સાકાર થઈ ગયું છે. આપણે હવે રોકેટશકિત અને પરમાણુ શકિત બની ગયા છીએ. આ ઉત્તર કોરિયાના સાહસિક લોકોની જીત છે અને હવે આપણે અમેરિકાના કોઈ પણ ખૂણા પર હુમલો કરી શકીએ તેમ છીએ.

ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણ બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જે ઈન અને જાપાનના વડા પ્રધાન શિંજો આબે વચ્ચે ઉત્તર કોરિયાના આવા પગલા અંગે ચર્ચા થઈ હતી તો બીજી તરફ ચીને પણ આ પરીક્ષણ અંગે ચિંતા વ્યકત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઉત્તર કોરિયાએ જે હોસોંગ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે તે મિસાઈલ ૧૩ હજાર કિમી સુધી હુમલો કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

તેથી અમેરિકા પર ખતરો વધી ગયો છે. ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણ બાદ દક્ષિણ કોરિયા સહિત જાપાનમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મિસાઈલ પરીક્ષણ બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુને ટ્રમ્પ સાથે લગભગ ૨૦ મિનિટ વાત કરીને ચિંતા વ્યકત કરી ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લગાવવા માગણી કરી હતી.

…. તો ઉત્તર કોરિયાને નેસ્તનાબૂદ કરી નાખીશુંઃ અમેરિકા
ઉત્તર કોરિયાએ કરેલા મિસાઈલ પરીક્ષણ બાદ માહોલ ગરમાયો છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે યુએનની ઈમર્જન્સીની બેઠકમાં જણાવ્યું હતું કે જો અમારી સામે યુદ્ધની સ્થિતિ ઊભી થશે તો અમે ઉત્તર કોરિયાને નેસ્તનાબૂદ કરી નાખીશું. સાથોસાથ તમામ દેશોને અપીલ કરી છે કે તેઓ ઉત્તર કોરિયા સાથેના તમામ સંબંધ કાપી નાખે. બાદમાં તેમણે ચીનના રાષ્ટ્રપતિ જિન‌િપંગ સાથે વાત કરી ઉત્તર કોરિયાને તેલ સપ્લાય બંધ કરી દેવા જણાવ્યું હતું.

You might also like