અમે હરમનપ્રીત સાથે કોઈ કરાર નથી કર્યોઃ સિડની થંડરની સ્પષ્ટતા

સિડનીઃ મહિલા બિગ બેશ લીગની વર્તમાન ચેમ્પિયન સિડની થંડર્સે સ્પષ્ટ કરી દીધું છે કે તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર હરમનપ્રીતને પોતાની ટીમમાં સામેલ કરવા ઇચ્છે છે, પરંતુ અમે હજુ સુધી કોઈ કરાર કર્યો નથી. બીસીસીઆઇની કાર્યકારી સમિતિની ગત શુક્રવારે યોજાયેલી બેઠક બાદ બોર્ડના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે સિડની થંડરે ઓલરાઉન્ડર હરમનપ્રીત સાથે કરાર કરી લીધો છે.

ફ્રેન્ચાઇઝીના મેનેજર નિક કમિન્સે જોકે એ વાતનો ઇનકાર કરી દીધો છે કે તેમણે ભારતીય ખેલાડી સાથે કરાર કરી લીધો છે, પરંતુ આ સાથે એ વાતનો સ્વીકાર કર્યો કે ક્લબનું ધ્યાન હરમનપ્રીત પર છે ખરું. કમિન્સે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ની વેબસાઇટને જણાવ્યું કે, ”અમે સિડની થંડરમાં હરમનપ્રીતને સામેલ કરવાનો વિચાર કરીએ છીએ, જોકે હજુ સુધી કોઈ કરાર થયો નથી.”

બીસીસીઆઇ દ્વારા મહિલા ખેલાડીઓને વિદેશી લીગમાં રમવાની મંજૂરી આપ્યા બાદ હરમનપ્રીત ઉપરાંત ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજ, ઝૂલન ગોસ્વામી પણ વિદેશી લીગમાં રમે તેવી શક્યતા છે.

You might also like