અમારા 11 કરોડ કાર્યકર છે અને 22 કરોડ પરિવારના અમને આશીર્વાદ છેઃ અમિત શાહ

(એજન્સી) નવી દિલ્હી: ચૂંટણી તારીખોની જાહેરાત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રથમ વાર આપેલા એક ઇન્ટરવ્યૂમાં ભાજપનાે જોરદાર વિજય થશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. એક અખબાર સાથેની મુલાકાતમાં અમિત શાહે ભાજપની જીતનું ગણિત આંગળીના વેઢે ગણાવી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે ૧૧ કરોડ કાર્યકર છે અને રર કરોડ પરિવારના આશીર્વાદ અમારા પર છે અને જીતવા માટે માત્ર ૧૭ કરોડ વોટની જરૂર છે અને તેથી અમારી જ સરકાર બનશે.

વિપક્ષોના ગઠબંધન તરફથી ઊભા થઇ રહેલા પડકાર અંગે પૂછતાં એક પ્રશ્નના જવાબમાં અમિત શાહે જણાવ્યું હતું કે જો ગઠબંધન કરવાથી જ મજબૂતાઇ મળતી હોય તો સંગઠિત થનારા રાજકીય પક્ષો ક્યારેય હાર્યા હોત નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગઠબંધન કરનારા સ્વયં નર્વસ છે. જો આવું ન હોત તો તેઓ શા માટે સંગઠિત થવાનો પ્રયાસ કરત? ગઠબંધનમાં ક્યારેય ર અને ર મળીને ચાર થતા નથી.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે ર૦૧૪માં માત્ર છ રાજ્યમાં અમારી સરકાર હતી, પરંતુ હવે ૧૬ રાજ્યમાં અમારી સરકાર છે. અમારો ભૌગોલિક દાયરો ૧ર ટકાથી વધીને પ૦ ટકા થયો છે. ર૦૧૪માં અમારી પાસે ર.૪ કરોડ કાર્યકર હતા, પરંતુ હવે ૧૧ કરોડ છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ યોજનાઓથી રર કરોડ પરિવારને લાભ મળ્યો છે અને એથી તેમના આશીર્વાદ અમારા પર છે. આમ, અમે મજબૂત છીએ અને અમારી પાસે પીએમ મોદીની લોકપ્રિયતા વોટ બદલવાની ક્ષમતા ધરાવે છે.

You might also like