વોટ્સને ૧૦ બોલ બાદ ખાતું ખોલ્યું, પછી ૪૧ બોલમાં સદી ફટકારી દીધી

મુંબઈઃ આઇપીએલની ફાઇનલમાં ચેન્નઈની ટીમ તરફથી વોટ્સન ચમક્યો. વોટ્સનની વિસ્ફોટક બેટિંગનો અંદાજ એ જ વાત પરથી લગાવી શકાય છે કે તે પોતાનું ખાતું ખોલવા માટે ૧૦ બોલ રમ્યો. બાદમાં તેનું બેટ એવું ગર્જ્યું કે હૈદરાબાદના બોલર્સ વારંવાર મેદાનમાં પાણી મંગાવતા નજરે પડ્યા. હૈદરાબાદના બોલર્સે આક્રમક રીતે બોલિંગની શરૂઆત કરી હતી. ભુવનેશ્વરકુમારે મેઇડન ઓવર ફેંકી.

આટલી શાનદાર બોલિંગ સામે વોટ્સને રાહ જોવાનું ઊચિત માન્યું. હૈદરાબાદ તરફથી સંદીપ શર્મા દ્વારા ફેંકવામાં આવેલી બીજી ઓવરમાં પણ વોટ્સને કોઈ જોખમ ઉઠાવ્યું નહીં. ભુવીની બીજી અને ઇનિંગ્સની ત્રીજી ઓવર પણ વોટ્સને જેમ તેમ પસાર કરી નાખી. એ સમયે તો એવું લાગી રહ્યું હતું જાણે વોટ્સમેન દબાણમાં આવીને પોતાની વિકેટ ગુમાવી બેસશે, પરંતુ સંદીપ શર્માની બીજી અને ઇનિંગ્સની ચોથી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને વોટ્સને પોતાનું ખાતું ખોલ્યું. ત્યાર બાદ તો વોટ્સન હૈદરાબાદના બોલર્સ પર જાણે કે તૂટી જ પડ્યો.

વોટ્સને ૩૩ બોલમાં અર્ધી સદી પૂરી કરી લીધી. ખરેખર જોવામાં આવે તો તેણે ૨૪ બોલમાં જ અર્ધી સદી પૂરી કરી, કારણ કે શરૂઆતના નવ બોલમાં તેણે એક પણ રન બનાવ્યો નહોતો. જ્યારે વોટ્સનનું બેટ ચાલ્યું ત્યારે હૈદરાબાદના બોલર્સને પરસેવો વળી ગયો.

You might also like