શહેરીજનોને પૂરા પડાતા પાણી પૈકી ૨૫ ટકા વેડફાઈ જાય છે

અમદાવાદ, બુધવાર
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીનાં નીર સુકાતાં અમદાવાદમાં આગામી ઉનાળામાં પાણીની કટોકટી સર્જાય તેવી શક્યતાના પગલે મ્યુનિસિપલ તંત્રમાં દહેશત ફેલાઇ ગઇ છે, જોકે પાણીના એક અથવા બીજા પ્રકારે થતા રપ ટકા સુધીના વેડફાટને રોકવામાં સત્તાવાળાઓ નાકામ થયા છે.

ગઇ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૧ર સભ્યએ ઉનાળામાં ઊભી થનારી પાણીની તંગીનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. ચેરમેન પ્રવીણ પટેલે પણ સભ્યોની ચિંતામાં સહભાગી થઇને આગામી દિવસોમાં તંત્ર દ્વારા લેવાનારાં પગલાંથી તેમને માહિતગાર કર્યા હતા. બીજી તરફ પાણીના થતા વેડફાટના મામલે પણ લાંબી ચર્ચા થઇ હતી.

તે વખતે ખુદ કમિશનર મૂકેશકુમારે પણ પાણી લીકેજ અને પાણી લોસેસને અટકાવવા સંબંધિત વિભાગને કડક તાકીદ કરી હતી. તંત્રની કાટ ખાધેલી પાણીની લાઇન, લોકો દ્વારા લેવાતાં પાણીનાં ગેરકાયદે કનેક્શન, આડેધડ મોટર મૂકીને કરાતું મોટરિંગ તેમજ ટુ વ્હિલર-ફોર વ્હિલરનાં સર્વિસ સ્ટેશન, પોળમાં ધોવાતા ઓટલા, કાર ધોવા કે ગાર્ડનિંગમાં વેડફાતા પાણીથી પણ તંત્ર પરેશાન છે. મૂકેશકુમાર દ્વારા આ તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને તત્કાળ જે તે જવાબદારને નોટિસ ફટકારવાની તાકીદ તંત્રને કરાઇ હતી.

જોકે આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટીના ચેરમેન રમેશ દેસાઇએ દસ દિવસ પહેલાં પાણીનો વેડફાટ કરનારા વિરુદ્ધ નોટિસ ફટકારીને શિક્ષાત્મક પગલાં ભરવાની તમામ ઝોનના ઇજનેર વિભાગને તાકીદ કરી હતી, પરંતુ જ્યારે ગયા ગુરુવારે સંબંંધિત અધિકારીઓ પાસે આને લગતી માહિતી માગી તો તેમને ભોંઠા પડવાનો વારો આવ્યો હતો, કેમ કે એક પણ અધિકારીએ કોઇની પણ સામે પગલાં લીધાં ન હતા. આમ, શાસક પક્ષના આદેશને પણ અધિકારીઓ ઘોળીને પી ગયા હોઇ કમિશનરના આદેશનું પાલન કરાશે કે કેમ? તે અંગે ચર્ચા ઊઠી છે.

જાણકાર સૂત્રો કહે છે કે ગયા ઉનાળામાં જે તે ઝોનમાં મોટ‌િરંગ સ્કવોડ કાર્યરત કરીને મોટરિંગ કરીને પાણી ખેંચતા લોકોની મોટર જપ્ત કરવાની તાકીદ પણ એક ટોચના હોદ્દેદારે કરી હતી, પરંતુ તેનો ‌ડિસેમ્બરની ચૂંટણીના કારણે અન્ય ટોચના હોદ્દેદારે વિરોધ કરતાં શાસક ભાજપમાં જ ભડકો થયો હતો. આ ઉનાળામાં મોટરિંગ સ્કવોડ કાર્યરત કરવાની ગત ઉનાળા કરતાં વધારે જરૂર છે. તેમ છતાં શાસકોમાં આ મામલે આજે પણ મતભેદ જોવા મળે છે.

You might also like