પાણી પુરવઠા બોર્ડના બે ઉચ્ચ અધિકારી લાંચ લેતાં ઝડપાયા

અમદાવાદ: મોરબી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના બે ઉચ્ચ અધિકારીઓ લાંચ-રુશવત વિરોધી બ્યૂરોએ ગોઠવેલા છટકામાં આબાદ ઝડપાઇ જતાં આ અંગે બંનેે અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે મોરબીના એક કોન્ટ્રાકટર મકસુદ અલીભાઇ કડીવાલે પોતાના કોન્ટ્રાકટ કામનું બિલ મોરબીની કચેરીમાં રજૂ કર્યું હતું. રૂ.૪પ લાખની રકમનું આ બિલ હેડ ઓફિસે મોકલવા માટે મોરબીના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ડે. એન્જિનિયર એમ. એસ. જાદવ અને ડે. એકાઉન્ટન્ટ મૂકેશ દફતરીએ કોન્ટ્રાકટર પાસે રૂ. બે લાખની લાંચ માગી હતી.

આ અંગે કોન્ટ્રાકટરે રાજકોટ લાંચ-રુશવત વિરોધી બ્યૂરોની કચેરીમાં ફરિયાદ કરતાં રાજકોટ એસીબીએ છટકું ગોઠવી ડે. એન્જિનિયર જાદવ અને ડે. એકાઉન્ટન્ટ મૂકેશ દફતરીને લાંચની રકમ લેતાં આબાદ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત બે વર્ષ અગાઉના લાંચ કેસમાં એસીબીએ વાપીના સરકારી વકીલ બી.બી. રાઠોડની ધરપકડ કરી હતી. બે વર્ષ અગાઉ એક કેસની પતાવટ માટે આ સરકારી વકીલે રૂ.૧.રપ લાખની માગણી કરી હતી, પરંતુ એસીબીની ટ્રેપ નિષ્ફળ જતાં આ સરકારી વકીલે ટેલિફોન પર કરેલી વાતચીતની સીડી એસીબીએ કબજે લઇ એફએસએલમાં મોકલી આપી હતી, જેનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પોઝિટિવ આવતાં આ પગલું ભરવામાં આવ્યું હતું.

You might also like